ઉધનામાં નકલી આઇપીએસ ઓફિસર ઝડપાયો, નકલી પિસ્ટલથી લોકોને ડરાવી પૈસા પડાવતો હતો

સુરત:  ઉધનામાં IPS અધિકારીનો સ્વાંગ રચી વાહનચાલકોનો તોડ કરતો શખ્શ ઝડપાયો છે. આ શખ્શ ખભે લગાડાઇ ફરતો હતો જે ઓનલાઈન મંગાવ્યા હતા. સોપો પાડવા રમકડાના વોકીટોકી અને પિસ્તલ બેગમાં લઈને ફરતો હતો. વાહનચાલકોને નિયમભંગ બદલ ડુપ્લિકેટ મેમો પકડાવી નાણાં વસૂલતો હતો.

સુરત શહે૨માં બોગસ આઈપીએસ અધિકારી ઝડપાવાની ઘટના સામે આવી છે. ઉધનામાં એક બોગસ આઈપીએસ અધિકારી મળી આવ્યો હતો. તે શહેરના વિવિધ વિસ્તારોમાં વાહનો ઊભા રાખીને મેમો આપીને રોકડી કરતો હતો. ઉધના પોલીસે તેને પકડી પાડી તેની સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ઉધના પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ભાઠેના જોગેશ્વરી ત્રણ રસ્તા પાસે થ્રી-સ્ટાર સાથે આઇપીએસ લખેલો વ્યક્તિ વાહનોને રોકીને ચેકીંગ કરતો નજરે પડ્યો હતો

સાથે સાથે વાહન ચાલકોને મેમો પણ આપતો હતો. ઉધના પોલીસનું ધ્યાન જતા ચેક કરતા ડુપ્લીકેટ આઇપીએસ એકલો જ ઉભો હતો. તેના ખભા ઉપર લાગેલા થ્રી-સ્ટાર ડુપ્લીકેટ હોય તેની ઉપર શંકા જતાં પકડી લેવાયો હતો. તેને નામ પુછતા પોતે મુળ બિહા૨નો વતની અને સુરતમાં ઉન પાટીયા ખાતે રહેતો મોહંમદ સમરેંજ (ઉ.વ.26) હોવાનું કહ્યું હતું.

આ યુવકને પીઆઈ એસ.એન. દેસાઇ પાસે લઇ જવાયો હતો. તેની પાસેની બેગમાં વાહન ચેકીંગ માટે તેણે અલગ વોકી ટોકી પણ રાખ્યા હતા. રમકડાના વોકીટોકી અને પસ્તલ મળી આવી હતી. તેના ખભા ઉપર થ્રી-સ્ટારની સાથે આઇપીએસ લખ્યું હતું. તે બેજ તેણે ઓનલાઈન મંગાવ્યાનું હાલ કહ્યું છે. પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.