નડિયાદ રૂરલ પોલીસે કબ્જે કરેલ દેશી દારૂનો જથ્થો હેડ કોન્સ્ટેબલએ બુટલેગર ચોરી કર્યાની પોલ ખુલી

નડિયાદ, ખેડા જિલ્લામાં પોલીસની છબી ખરાડાઈ તેવા કૃત્યને એક હેડકોન્સ્ટેબલે અંજામ આપ્યો છે. હજી લીંબાસી દારૂ પ્રકરણમાં પોલીસ કર્મીની શંકાસ્પદ ભૂમિકા, એ બાદ ટુડેલ ખાતે વહીવટદારની પોલીસ કર્મીની ભૂમિકા મામલે અને આ બાદ વધુ એક વખત પોલીસકર્મીની બુટલેગર સાથે સાંઠગાંઠનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નડિયાદ રૂરલ પોલીસે ગુનામાં કબ્જે કરેલ દેશી દારૂનો જથ્થો પોલીસ સ્ટેશનની અંદરથી જ અ. હેડકોન્સ્ટેબલે દારૂના બુટલેગર સાથે ચોરી કરી છે. આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે. બુટલેગરની ધરપકડ કરતાં જ પોલીસકર્મીની પોલ ખુલ્લી પડી ગઈ છે. આ બાદ હેડકોન્સ્ટેબલ ભૂર્ગભમાં ઉતરી જતાં સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અક્ષયભાઈએ નડિયાદ ટાઉન પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવાયું છે કે, ગત 2 નવેમ્બરના રોજ નડિયાદ રૂરલ પોલીસના માણસોએ સલુણ એક્સપ્રેસ હાઈવે પરથી એક શંકાસ્પદ હાલતમાં કંતાનમા લઈ જવાતો 50 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. સાથે દેશી દારૂનો બુટલેગર કમલેશ રાવજીભાઈ તળપદા (રહે.સરદારભવન પાછળ, ખાડવાઘરીવાસ, નડિયાદ)ને પણ અટકાયત કરાઈ હતી. આ બાદ ગુનો રજીસ્ટર કરાયો હતો. જોકે મુદ્દામાલ રાયટર હેડ પાસે જમા કરાવવાનો હોય પરંતુ જે તે વખતે બીજી બાતમી મળતા પોલીસના માણસો મુદ્દામાલને જમા કરાવ્યો નહોતો. અને આ મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાં લોકઅપ સામે સુરક્ષિત જગ્યામાં રાખવામાં આવેલ હતો.આ બાદ આ ગુનાના કામે આરોપીની કાયદેસરની અટકાયત કરી બીજા દિવસે કોર્ટમાં રજૂ કરતા આરોપી જામીન ઉપર મુક્ત થયો હતો. આ પ્રોહીબીશન મુદ્દામાલ રાઇટર હેડને જમા કરાવવાનો હોવાથી સર્વિલન્સની અન્ય કામગીરીમાંથી પરત આવતા પોલીસ કર્મીઓએ પોલીસ સ્ટેશન ખાતે આવી જોતા મુદ્દામાલની ત્રણ બેગો હાજર નહોતી. તે વિશે પોલીસ સ્ટેશનમાં ફરજ ઉપર હાજર એએસઆઈને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે એક વ્યક્તિ તેમજ આપણા પોલીસ સ્ટેશનના એલ.આઈ.બી. અ.હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પ્રહલાદસિંહ (બકલ નંબર 884) સાથે આવેલા અને બે પાંચ મિનિટ પહેલા જ ઉપરોક્ત વર્ણનવાળો મુદ્દામાલ લઈને બહાર નીકળેલા હોવાનું જણાવ્યું હતું.