અમેરિકા, મ્યાનમાર આ વર્ષે મેઘાલયમાં ભારત સાથે સૈન્ય અભ્યાસ કરશે

શિલોગ,યુએસ અને મ્યાનમારની સેનાઓ આ મહિનાના અંતમાં અને ડિસેમ્બરમાં અનુક્રમે મેઘાલયના ઉમરોઈમાં ભારત સાથે સંયુક્ત કવાયત કરશે. એક સંરક્ષણ અધિકારીએ શનિવારે આ માહિતી આપી હતી. મલેશિયન આર્મી ગયા મહિનાથી ’ઉમરોઈ જોઈન્ટ ટ્રેનિંગ નોડ’ ખાતે દ્વિપક્ષીય કવાયત કરી રહી છે. તે ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડનું એકમાત્ર નિયુક્ત કેન્દ્ર છે. આ રીતે, આ સ્થાનને સતત ત્રણ મહિનામાં ત્રણ દેશો સાથે અભ્યાસ માટે પસંદ કરવામાં આવ્યું છે.

સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે ઑક્ટોબર ૨૦૧૭ માં તેની શરૂઆતથી, કેન્દ્રએ ભારત અને મલેશિયાની સેનાઓ વચ્ચે ચાલી રહેલા ’હરિમાઉ શક્તિ અભ્યાસ, ૨૦૨૩’ સહિત વિવિધ દેશો સાથે આઠ સંયુક્ત કવાયતનું આયોજન કર્યું છે.

તેમણે કહ્યું, “ભારતીય સેના વિવિધ સ્થળોએ ૨૨ મિત્ર દેશો સાથે ૩૬ સંયુક્ત કવાયત કરીને સંરક્ષણ સહયોગના ક્ષેત્રમાં સકારાત્મક રીતે આગળ વધી રહી છે. ઉમરોઈ ખાતેના તાલીમ કેન્દ્રમાં અત્યાર સુધીમાં છ દેશોના કર્મચારીઓને હોસ્ટ કરવામાં આવ્યા છે.

૨૦૧૭માં બાંગ્લાદેશી સેના સાથે અહીં પ્રથમ દ્વિપક્ષીય કવાયત હાથ ધરવામાં આવી હતી. આવી કવાયત માટે ઉમરોઈ કેન્ટોનમેન્ટની મુલાકાત લેતા અન્ય દેશોના સૈન્ય કર્મચારીઓ મ્યાનમાર, થાઈલેન્ડ, ચીન, કઝાકિસ્તાન અને મલેશિયાના છે.

યુએસ સાથે સંયુક્ત કવાયત આ મહિને પ્રસ્તાવિત છે, જ્યારે મ્યાનમારના લશ્કરી જવાનો ડિસેમ્બરમાં બીજી વખત અહીં તાલીમમાં ભાગ લેશે.

હાલમાં ચાલી રહેલા હરિમાઉ શક્તિ કવાયત ૨૦૨૩ની વિગતો શેર કરતાં લેફ્ટનન્ટ કર્નલ રાવતે જણાવ્યું હતું કે મલેશિયાની ટુકડીમાં પાંચમી રોયલ બટાલિયનના સૈનિકોનો સમાવેશ થાય છે, જ્યારે ભારતીય ટુકડીનું પ્રતિનિધિત્વ રાજપૂત રેજિમેન્ટ કરે છે.