હૈદરાબાદ, હૈદરાબાદ પોલીસે એક સનસનીખેજ મામલાનો ખુલાસો કર્યો છે. એક શાકભાજી વિક્રેતા પર દસ રાજ્યોમાં ૨૧ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. તેના વિરુદ્ધ સમગ્ર દેશમાં ૩૭ કેસ દાખલ છે. પીડિતોની ફરિયાદ મળ્યા બાદ હૈદરાબાદ પોલીસે તેની ૨૮ ઓક્ટોબરના રોજ ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર સબ્જી વિક્રેતા ૠષભ ફરીદાબાદમાં શાકભાજીનો વેપાર કરતો હતો. કોરોના બાદ તેનો કારોબાર સંપૂર્ણ રીતે બંધ થઇ જતા તેણે છેતરપિંડી આચરીને લોકોને ચૂનો લગાવવાનું શરુ કરી દીધું હતું.
અગાઉ તેણે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે ઘણી નોકરીઓ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઘરેથી કામ કરતી વખતે તેને ઓનલાઈન સ્કેમ્સ વિશે ખબર પડી. તે તેના જૂના મિત્ર પાસેથી ઓનલાઈન ગુના કરવાનું શીખ્યો હતો.પૂછપરછ દરમિયાન તેણે પોલીસને જણાવ્યું કે તેણે તેના મિત્ર પાસેથી કેટલાક ફોન નંબર લીધા અને ફોન કરવાનું શરૂ કર્યું. તેણે દરેક પીડિત પાસેથી નાની નોકરીના બદલામાં મોટી નોકરીનું વચન આપીને લાખો રૂપિયા પડાવી લીધા હતા.
તેણે દેહરાદૂનના એક મોટા બિઝનેસમેન પાસેથી ૨૦ લાખ રૂપિયા સુધીની રકમ વસુલ કરી હતી. તે હોટલના સમૂહની વેબસાઇટ બનાવવા અને તેની સમીક્ષા લખવા માટે ફોન કોલ કરતો હતો. તેણે સમીક્ષા લખનારાઓને શરૂઆતમાં દસ હજાર રૂપિયાની ચુકવણી પણ કરી હતી.
આ માટે તેણે હોટલના નામે નકલી ટેલિગ્રામ ગ્રૂપ પણ શરૂ કર્યું હતું. તેણે કેટલાક નકલી મહેમાનો સાથે ખોટા રિવ્યુ પણ આપ્યા હતા. દરેક સમીક્ષા માટે ૧૦,૦૦૦ રૂપિયા ચૂકવ્યા પછી પીડિતોને ૠષભ પર સંપૂર્ણ વિશ્વાસ આવી ગયો હતો. આ બાદ તેણે લોકોને વિશ્વાસ અપાવ્યો કે તેઓ બીજું કામ કરશે તો વધુ રૂપિયા મળશે. કરોડો રૂપિયા જમા થતા તેણે પીડિતોને જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. આ બાદ પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો જેથી પીડિતોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. ૠષભની ધરપકડ કરનાર પોલીસ તેના ગુના વિશે જાણીને પરેશાન છે. તપાસથી જાણવા મળ્યું કે અન્ય દેશોના મેનેજર ભારતમાં પોતાનો કારોબાર વધારવા માટે ૠષભ જેવા લોકોનો મોહરાની માફક ઉપયોગ કરી રહ્યા હતા. પોલીસને તે પણ માહિતી મળી છે કે ૠષભને કારણે ચીન અને સિંગાપુર જેવા દેશોના મેનેજરો પાસે કરોડો રૂપિયા ગયા છે. પોલીસ તે જાણીને પણ અચંબામાં છે કે કઈ રીતે એક સબ્જી વિક્રેતાએ લાખો શિક્ષિતોને પોતાનો શિકાર બનાવ્યા અને તેમની સાથે છેતરપીંડી કરી. આ ફ્રોડ લાખના નહી પણ કરોડો રૂપિયાના હતા અને તેનો શિકાર સમગ્ર ભારતના લોકો બન્યા હતા.