દાહોદ, દાહોદ તાલુકાના મોટીખરજ ગામે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે એક મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લેતાં મોટરસાઈકલના ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.04 નવેમ્બરના રોજ ગરબાડા તાલુકાના બરસડા ગામે પટેલ ફળિયામાં રહેતાં નરેશભાઈ લાલાભાઈ બામણીયા પોતાના કબજાની મોટરસાઈકલ લઈ મોટીખરજ ગામે વડલી ફળિયા પાસે દાહોદ ગરબાડા રોડ ઉપરથી પસાર થઈ રહ્યાં હતા. તે સમયે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી નરેશભાઈની મોટરસાઈકલને જોશભેર ટક્કર મારતાં નરેશભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતા. જેને પગલે નરેશભાઈને શરીરે, હાથે, પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે ફોર વ્હીલર ગાડીના ચાલકે માર્ગ અકસ્માત સર્જી પોતાના કબજાની ફોર વ્હીલર સ્થળ પર મુકી નાસી જતાં આ સંબંધે મૃતક નરેશભાઈના પિતા લાલાભાઈ ઝિથરાભાઈ બામણીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.