નરોડા વિસ્તારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા તેના સગાં ભત્રીજાને લઈને ભાગી ગઇ છે. જેથી બંનેના પરિવારજનોમાં દોડધામ મચી ગઈ છે. કાકી અને ભત્રીજાના મોબાઈલ ટ્રેસ કરવામાં આવતા તેમનું લોકેશન મુંબઈનું મળ્યું છે. જેથી પરિવારજનો મુંબઈ પહોંચીને તેમને શોધી રહ્યા છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા સુરતમાં વેવાઇ અને વેવાણ ભાગી ગયા હતા ત્યારે પણ ચકચાર મચી ગઇ હતી.
કાકીના ગુમ થયા બાદ ભત્રીજો પણ ગાયબ થયો હતો
આ અંગે મળતી માહિતી પ્રમાણે, દસમી નવેમ્બરે વહેલી સવારે અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી બત્રીસ વર્ષની કાકી અચાનક ઘરમાંથી ગુમ ગઇ હતી. બીજી તરફ ભત્રીજો પણ બાપુનગરના તેના વિસ્તારમાં આવેલા તેના ઘરેથી ગુમ થઈ ગયો હતો. જેના કારણે બંને પરિવાર કાકી અને ભત્રીજાને શોધવામાં લાગ્યા હતા. ભત્રીજો થલતેજમાં દુકાન ધરાવે છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, કાકી સાબરમતી વિસ્તારમાં ભાડાંના એક રૂમમાં બાર કલાક રોકાઈ હતી. આ દરમિયાન કાકીને ભત્રીજો મળતાં બંને તે જ રાત્રે મુંબઈ ભાગી ગયા હતા. આ અંગે કાકી અને ભત્રીજાના પરિવારજનોએ તેમના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં તેમની ગુમ થયાની ફરિયાદો નોંધાવી છે.
મોબાઇલ મુંબઈ જઇ વેચી દીધો
આ અંગે હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે, બંનેએ દક્ષિણ મુંબઈના ક્રોફર્ડ માર્કેટ વિસ્તારમાં આવેલા જાણીતા માર્કેટમાં 18000ની કિંમતનો મોબાઈલ 6000 રૂપિયામાં વેચી દીધો છે. જે બાદ પરિવારના સભ્યોએ મુંબઈ પહોંચી આ માર્કેટમાંથી પૈસા આપીને મોબાઈલ પરત લીધો હતો. હાલ બંને મુંબઈમાં જ હોવાની માહિતી છે. થોડા વરસ પહેલા કાકી અને ભત્રીજા વચ્ચેના પ્રેમપ્રકરણની વાત પરિવાર સામે આવી હતી. જે તે સમયે બંનેને ઠપકો આપીને આ વાત દાબી દીધી હતી. પરંતુ હવે ફરીથી આ બાબતે પરિવાર તેમને શોધવા માટે ધંધે લાગ્યુ છે.
ઇન્સ્ટાગ્રામ પર કરતા હતા વાતો
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદથી નાસી ગયેલા કાકી અને ભત્રીજો ઇન્સ્ટાગ્રામ પર ખોટા આઈડી બનાવીને વાતો કરતા હતા. આ સાથે ઉચ્ચ અભ્યાસ કરતાં ભત્રીજાએ ઇન્સ્ટાગ્રામથી પોલીસ પોતાને પકડી ન શકે તે માટે શું કરવું, તેમ જ ભારતના કયા વિસ્તારમાં સસ્તું મકાન મળે છે, કમાણી કરવા તથા અન્ય રાજ્યમાં જવા માટે અમદાવાદના કયા વિસ્તારમાંથી બસ મળી શકશે તેની પણ તપાસ કરી હતી.