મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આઠ નવા એમઓયુ કર્યા, ૫,૧૧૫ કરોડનું રોકાણ થશે

ગાંધીનગર, ગુજરાત સરકારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં વિવિધ ઉદ્યોગકારો સાથે ૫,૧૧૫ કરોડ રૂપિયાના આઠ સમજૂતીપત્રો પર સહીસિક્કા કર્યા છે. ઇન્જેકશન, મેડિકલ ડિવાઇસીસ, ટેબ્લેટ, દવો, કેપ્સ્યુલ, બલ્ગ ડ્રગ ઉત્પાદન માટેના કુલ ૧,૭૭૦ કરોડના એમઓયુ કર્યા છે.

સીએમ ભુપેન્દ્ર પટેલના હાથે એમઓયુ કરવામાં આવ્યા પછી નવા એમઓયુના લીધે દસ હજાર લોકોને રોજગારી મળશે. એમઓયુ વખતે અન્ય એક પ્રધાન ૠષિકેશ પટેલઅને ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતની સાથે હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. રાજ્ય સરકાર આ વર્ષે અંદાજે ૨૬ હજાર કરોડના ૪૭ એમઓયુ કરી ચૂકી છે.

હવે કરવામાં આવનારા એમઓયુમાં જિલ્લા દીઠ એમઓયુ કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં કુલ ૩૩ જિલ્લા છે અને દરેક જિલ્લાનું મેપિંગ કરીને અને ત્યાં ઉપલબ્ધ શ્રમકુશળતાનું મેપિંગ તથા તેના ભૌગોલિક જોડાણ તથા સ્થળની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને આ પ્રકારના પ્રોજેક્ટ સ્થાપવામાં આવી રહ્યા છે. આમ જિલ્લા દીઠ એમઓયુ કરવામાં આવતા હવે ત્યાં સ્થપાનારા પ્રોજેક્ટનું અને રોજગારનું પણ મેપિંગ કરી શકાય છે.

આના પરથી આગામી સમયમાં રાજ્ય સરકાર પોતે કહી શકે કે અમે આટલા સમયમાં આટલા લોકોને રોજગારી પૂરી પાડી છે. તેથી જ્યારે પણ સરકારને સવાલ કરવામાં આવશે ત્યારે રાજ્ય સરકાર દરેક જિલ્લામાં તેણે કરેલા એમઓયુના આધારે લોકોને મળેલા પ્રત્યક્ષ રોજગાર, પરોક્ષ રોજગાર તથા તેના પર વિક્સેલી ઇકોસિસ્ટમથી મળતા રોજગારની વિગત આપી શકશે.

આ અંગે માનવામાં આવે છે કે રોજગાર અંગે ભાજપ સરકારની જિલ્લાદીઠ વ્યૂહરચનાનો અમલ હાલમાં ભાજપની સરકારો છે તેવા રાજ્યોમાં પણ થઈ શકે છે. તેથી આગામી સમયમાં તેમણે તેમના કાર્યકાળમાં કેટલા લોકોને રોજગાર પૂરો પાડ્યો તે સવાલનો જવાબ આપવામાં મદદ મળશે. વાસ્તવમાં આ પ્રકારની માહિતીના અભાવે રાજ્ય સરકાર અત્યાર સુધી આવો જવાબ પૂરા આંકડા સાથે આપી શક્તી ન હતી.