અમરેલી, અમરેલી સાંસદ નારણ કાછડીયા ફરી વિવાદમાં સપડાયા છે. અગાઉ ભાજપના નેતા નારણ કાછડિયાનો સાવરકુંડલા પાલિકા ઉપપ્રમુખને ધમકાવતો ઓડિયો વાયરલ થયો હતો. જેના ટૂંક સમયમાં જ અમરેલીના સાંસદ કોન્ટ્રાક્ટરને ફોન પર ધમકાવતાનો વિડીયો વાયરલ થતા મીડિયાની હેડલાઈન બની રહ્યા છે.
ભાજપના નેતા નારણ કાછડીયા એકજ સપ્તાહમાં બીજી વખત વિવાદનો સામનો કરી રહ્યા છે. અગાઉ જમાઈની એજન્સીને અપાયેલ કોન્ટ્રાક્ટને લઈને ફરિયાદો કરવામાં આવતા સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખને ધમકાવ્યા હતા. નારણ કાછડીયાના જમાઈ કોન્ટ્રાક્ટર છે અને સાવરકુંડલા પાલિકા દ્વારા શહેરના મેઇનબજાર અને સિનેમા વિસ્તારના મુખ્ય માર્ગો ઉપર આર સી સી રોડ બનાવવાનો તેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ રોડની ખરાબ કામગીરીને લઈને લોકો પાલિકા ઉપપ્રમુખને ફરિયાદ કરી હતી. તેની જાણ થતાં ઉપ્રમુખને ધમકાવતા હોવાની ફોનની ઓડીઓ કલીપ વાઇરલ થઈ હતી. જેમાં કહી રહ્યા હતા કે તેમના જમાઈની એજન્સીના કામોમાં દખલગીરી ન કરવી.
સાવરકુંડલા પાલિકા ઉપપ્રમુખને ધમકાવ્યા બાદ અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ કોન્ટ્રાક્ટરને ફોન કરી ધમકી આપી. કોન્ટ્રાક્ટરને ફોનમાં કહ્યું કે મારો રોડ કરી આપો નહીતર તમારા કામો જયાં ચાલતા હશે તે અટકાવી દઈશ. અને એક લેટર ઠોકી નાખીશ તો તમે દોડતા થઈ જશો. મારો લેટર આવ્યા પછી તમે કોઈની પણ ભલામણ લાવશો તો તે નહી ચાલે. નારણ કાછડીયાનો કોન્ટ્રાક્ટરને ધમકી આપતી ઓડિયો કલીપનો વીડિયો વાયરલ થયો. એક જ સપ્તાહમાં ભાજપ નેતા લોકોને ધમકી આપવાના વિવાદમાં સપડાતા ભાજપમાં ખળભળાટ મચ્યો છે.