ભરૂચ : અંકલેશ્વર તાલુકામાં દારૂના ગોડાઉન બનાવી દક્ષિણ ગુજરાતમાં દારૂનો વેપલો ચલાવવાના રેકેટ પર અંકલેશ્વર પોલીસે સપાટો બોલાવી કોમ્બિંગ અને મોટી માત્રામાં દારૂના જથ્થાને ઝડપી પાડવાની કાર્યવાહી બાદ લિકર માફિયાઓ અંકલેશ્વર છોડી પલાયન થયા છે.
ભરૂચના અંતરિયાળ વિસ્તારમાંથી દારૂનું નેટવર્ક ચલાવવા બુટલેગરના પ્રયાસ પણ ફરીએકવાર ભરૂચ પોલીસે પાણી ફેરવી દીધું છે. દહેજમાં ભંગારના ગોડાઉનની આડમાં ચાલતા દારૂના નેટવર્ક દહેજ પોલીસે દરોડો પાડી 350 પેટી દારૂના જથ્થાને ઝડપી પડ્યો છે. મામલે હિસ્ટ્રીશીટર કુખ્યાત બુટલેગર તિલક પટેલ સહીત 8 લોકો સામે ગુનો નોંધી પોલીસે ધરપકડનો દોર ચલાવ્યો છે. આ બેનંબરી વેપલો પોલીસ જાસૂસીકાંડમાં વોન્ટેડ બુટલેગર નયન કયસ્થના ઈશારે ચાલી રહ્યો હોવાની પણ પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસ સૂત્રો અનુસાર નારાયણ નામના ભંગારના વેપારીના ગોડાઉનમાં દારૂનું ગોડાઉન ઉભું કરાયું હતું. જોકે નારાયણે રેન્ટ એગ્રીમેન્ટ પોલીસને બતાવી મામલાથી દૂર રહેવા પ્રયાસ કર્યો છે. તેની સંડોવણી અંગે હજુ પોલીસે ચોપડે નામ ચઢાવ્યું નથી પણ મામલો તપાસ હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અગાઉ ભરૂચ જિલ્લામાં ક્રાઇમ બ્રાન્ચ , અંકલેશ્વર પોલીસ અને ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અંકલેશ્વરમાં દરોડા પડી અલગ -અલગ સ્થળોએથી દારૂના ગોડાઉન ઝડપી પાડ્યા હતા. અહીંથી દારૂ દક્ષિણ ગુજરાતમાં ઘુસાડવાનો વેપલો ચલાવતો હતો. સુરત રૂરલ પોલીસે ઝડપી પડેલા દારૂના નેટવર્કના મામલાઓની તપાસમાં પણ પાનોલી અને આસપાસના વિસ્તારનો દારૂના કટિંગમાં ઝડપાયેલા બુટલેગરોએ ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું.
તત્કાલિક એસપી ડો. લીના પાટીલે બુટલેગરો સામે કરેલી કડક કાર્યવાહીઓ બાદ લિકર માફિયાઓએ અંકલેશ્વરમાં દારૂનું કટિંગ બંધ કરાયું હતું. સલામત સ્થળની શોધમાં બુટલેગરોએ ભરૂચનો અંતરિયાળ દહેજ વિસ્તાર પસંદ કર્યો હતો. દહેજ પોલીસને આ બાબતની જાણ થઈ જતા દરોડો પડી 2 નવેમ્બરની મોડી રાતે 350 પેટી દારૂ એક ભંગારના ગોડાઉનમાંથી રિકવર કરાયો છે. આ સાથે એક ટેમ્પો પણ કબ્જે લેવાયો છે.
બનાવ સંદર્ભે 8 લોકોની સામે ગુનો દાખલ કરી ધરપકડનો દોર શરૂ કરાયો છે. પોલીસ આ નેટવર્કના મૂળમાં કયો બુટલેગર છે તેની પણ તપાસ કરી રહી છે.આગામી દિવસોમાં મામલે મોટા અને હિસ્ટ્રીશીટર બુટલેગરોના તપાસમાં નામ ખુલે અને તેમને જેલના સળિયા ગણાવાય તો નવાઈ નહીં.