અસંતોષ કોંગ્રેસમાં નથી ભાજપમાં છે’, રાજકીય ગરમાવો વચ્ચે ડીકે શિવકુમારનું નિવેદન

બેંગ્લુરુ; કોંગ્રેસ પાર્ટીમાં અસંતોષના અહેવાલો વચ્ચે કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે નિવેદન જારી કર્યું છે. ડીકે શિવકુમારે પોતાના નિવેદનમાં કહ્યું કે અમારી પાર્ટીમાં અસંતોષ ક્યાં છે. ભાજપમાં અસંતોષ છે, જેના કારણે તેઓ તેમના નેતાઓની પસંદગી કરી શક્તા નથી. તેમણે કહ્યું, શું તમે કોઈ રાજ્ય કે દેશ જોયો છે જ્યાં સરકાર બન્યાના ૫-૬ મહિના પછી પણ વિપક્ષના નેતાની પસંદગી થઈ નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ૨૦૨૪ની લોક્સભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોની પસંદગી અંગે સર્વે ક્યાં સુધી પહોંચ્યો છે, તો તેમણે કહ્યું કે અમે સંબંધિત જિલ્લાઓમાં મંત્રીઓને મોકલી દીધા છે. તેઓ અમને રિપોર્ટ આપશે.

તેમણે કહ્યું કે અમારા લગભગ ૭૫ ટકા કાર્યકરો, ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓએ આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. દિલ્હીના નેતાઓએ અમને માર્ગદર્શન આપ્યું છે અને તેના આધારે અમે અમારા ઉમેદવારોની પસંદગી માટે કેટલાક માપદંડો નક્કી કર્યા છે. ડીકે શિવકુમારે વધુમાં કહ્યું કે રાજ્યનું નામ કર્ણાટક થયાને ૫૦ વર્ષ થઈ ગયા છે. રાજ્યના લોકો અને સરકારને તેની ઉજવણી કરવાનો મોકો છે. સરકારે આ અવસરને આખું વર્ષ ઉજવવાનું નક્કી કર્યું છે. ’કન્નડ જ્યોતિ’ ગઈકાલે લોન્ચ કરવામાં આવી હતી. તેના અનુસંધાનમાં અમે ગડગમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રીએ સુવર્ણ જયંતિ નિમિત્તે ભુવનેશ્ર્વરી ભવન બનાવવાની જાહેરાત કરી દીધી છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા કર્ણાટકના માંડ્યાના કોંગ્રેસના ધારાસભ્ય રવિકુમાર ગૌરે દાવો કર્યો હતો કે વર્તમાન સિદ્ધારમૈયા સરકારનો અઢી વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર રાજ્યના મુખ્યમંત્રી બનશે. ત્યારથી રાજ્યમાં સત્તાધારી પક્ષના વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે રાત્રે ગૃહમંત્રી પરમેશ્ર્વરના ઘરે પણ આ મામલે એક બેઠક યોજાઈ હતી, જેના પછી આવી અટકળો લગાવવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ કર્ણાટકમાં રાજકીય હલચલ મચી ગઈ છે.