સુરત: ભારતીય ચલણની બનાવટી નોટો સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો છે. સારોલી પોલીસે મહારાષ્ટ્રના વતની ઇસમની ધરપકડ કરી છે તેમજ બનાવટી બોગસ ચલણી નોટો મળી કુલ 2.84 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં સારોલી પોલીસને મળેલી બાતમીના આધારે નિયોલ ચેકપોસ્ટ પાસેથી મહારાષ્ટ્ર ગૌરેગાંવ [ઇસ્ટ]ના રહેવાસી રામુલુશ જોસેફ મિઝ [ઉ.૫૧] ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી બનાવટી 500 ના દરની 153 નોટ તેમજ 200 ના દરની 1014 બોગસ નોટ કબજે કરી હતી.
આ ઉપરાંત આરોપી પાસેથી રંગીન પેન -પેન્સિલ, રંગનો પાવડર, ચમકતા તાર મળી કુલ 2.84 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપી મહારાષ્ટ્ર ખાતે પોતાના ઘરે ડુપ્લીકેટ નોટ છાપી ભારત દેશના જુદા જુદા શહેરમાં ખરીદી કરી ડુપ્લીકેટ નોટ વટાવી દેતો હતો.