ભારતીય કેદી કુલભૂષણ જાધવના કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય લાગુ કરી શકાય નહીં.

ઇસ્લામાબાદ, કુલભૂષણ જાધવની સજાને લઈને પાકિસ્તાન તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. જ્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાને કુલભૂષણ જાધવને જોડતા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના અન્ય એક નિર્ણય વિશે પૂછવામાં આવ્યું, તો જાણો વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ શું જવાબ આપ્યો? પાકિસ્તાને કહ્યું હતું કે, મૃત્યુદંડની સજા પામેલા ભારતીય કેદી કુલભૂષણ જાધવના કેસમાં સૈન્ય અધિકારીઓને નાગરિકો પર કાર્યવાહી કરવા પર પ્રતિબંધ મૂક્તો સુપ્રીમ કોર્ટનો નિર્ણય લાગુ કરી શકાય નહીં. ૨૩મી ઑક્ટોબરે આપેલા ઐતિહાસિક ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે ૯ મેની હિંસા બાદ ધરપકડ કરાયેલા લોકો સામે લશ્કરી ટ્રાયલને અમાન્ય જાહેર કરી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝેહરા બલોચને સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે ૫૩ વર્ષીય જાધવના કેસ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયની શું અસર થશે. આના પર તેણે કહ્યું, મારે આ વિશે અમારી કાનૂની ટીમ સાથે વાત કરવી પડશે, પરંતુ મને લાગે છે કે આ એક અલગ મામલો છે કારણ કે તે એક વ્યક્તિ સાથે સંબંધિત છે જે ભારતીય નૌકાદળના સવગ ઓફિસર હતા.

બલોચે કહ્યું, ’પાકિસ્તાનમાં વિદેશી એજન્ટો દ્વારા જાસૂસીને લગતા કાયદા છે અને અમને વિશ્વાસ છે કે કમાન્ડર કુલભૂષણને આપવામાં આવેલી સજા પાકિસ્તાનના કાયદા અનુસાર છે.’ પાકિસ્તાનની સૈન્ય અદાલતે જાધવને એપ્રિલ ૨૦૧૭માં જાસૂસી અને આતંકવાદના આરોપમાં મૃત્યુદંડની સજા સંભળાવી હતી. ભારતે જાધવને કોન્સ્યુલર એક્સેસ નકારવા અને ફાંસીની સજાને પડકારવા બદલ પાકિસ્તાન વિરુદ્ધ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)નો સંપર્ક કર્યો હતો. બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, હેગ સ્થિત આઇસીજેએ જુલાઈ ૨૦૧૯માં પાકિસ્તાનને આ મામલામાં જાધવને ભારતના કોન્સ્યુલર એક્સેસ આપવા અને સજાની સમીક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું હતું.