
નવીદિલ્હી, સિવિલ લાઈન્સ વિસ્તારમાં દિલ્હીના મંત્રી રાજકુમાર આનંદના ઘરે ઈડીએ દરોડા પાડયા છે આજે વહેલી સવારથી શોધખોળ શરૂ થઈ હતી. તેની સાથે જોડાયેલા ૯ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતાં
ઈડીની ટીમ આપ મંત્રી રાજકુમાર આનંદના ઘરની અંદર પહોંચી ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી જયારે સુરક્ષા દળો બહાર હાજર રહ્યાં હતાં જાહેર કરવામાં આવેલા વીડિયોમાં આપ મંત્રીના ઘરની બહાર સશસ્ત્ર સુરક્ષા ગાર્ડ જોવા મળે છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાજકુમાર આનંદના ઘરે મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડવામાં આવ્યા છે. રાજકુમાર આનંદ દિલ્હી સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી છે.
બીજી તરફ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરવા માટે બોલાવ્યા હતાં પરંતુ તેઓ હાજર થયા ન હતાં
દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ બાદ આપઁના ત્રણ નેતાઓ જેલમાં છે. દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન, પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આપ સાંસદ સંજય સિંહની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.દરમિયાન આપના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ભાજપ આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે અને આપ નેતાઓ ઉપર દબાણ બનાવવા માટે સરકારી એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે.