
અમદાવાદ, દેશમાં લોક્સભાની ચૂંટણી લઈને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે તેવા સમયે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ દ્વારા દેશમાં ’પહેલા વોટ ફોર ઇન્ડિયા’ કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી છે. ૧૮ થી ૨૪ વયના યુવાનો પહેલી વખત લોક્સભાની ચૂંટણીમાં ’મેરા પહેલા વોટ મોહબ્બ્ત કે નામ’ મતદાન કરીને દેશમાં પરિવર્તન કરવા માટે પોતાની ભાગીદારી નોંધાવશે આ વિષયને લઈને ઓલ ઇન્ડિયા યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રીએ માહિતી આપી હતી.
ઓલ ઇન્ડિયા યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી રાજેશ સિન્હાએ ’મેરા પહેલા વોટ ફોર ઇન્ડિયા’ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં ૨૦૨૪ની દેશમાં લોક્સભાની ચૂંટણી યોજવા માટે જઈ રહી છે ત્યારે યુવાનો દેશમાં પરિવર્તન કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે. આજના સમયમાં દેશમાં ભય અને નફરતનો માહોલ છે અને દેશ ખૂબ જ ખરાબ દશામંથી પસાર થઈ રહ્યો છે. ભાજપની સરકાર ધર્મના નામે જુઠ્ઠાણા ફેલાવીને, નફરત ફેલાવીને માનવ સમુદાય વચ્ચે વેર ઝેર પેદા કરે છે તેના લીધે સમગ્ર દેશમાં ભયનો માહોલ છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે દેશમાં યુવાનો પરિવર્તન ઈચ્છે છે, કારણકે હાલના સમયમાં યુવાનો પાસે ડિગ્રીઓ છે પણ નોકરી નથી, બેરોજગારીનો દર ખૂબ જ વધી રહ્યો છે, યુવાનોને નોકરી મળી રહી નથી તેના કારણે આત્મહત્યા કરવા તરફ ધકેલાઈ જાય છે. ૨૦૨૪ ની લોક્સભાની ચૂંટણીમાં ૧૮ થી ૨૪ વર્ષના વય ધરાવતા યુવાનો પહેલી વખત મતદાન કરશે, આ યુવાનો દેશમાં પરિવર્તન કરશે. આ વખતે યુવાનો પોતાનો પ્રથમ વોટ બેરોજગારી, નફરત, મોંઘવારી સામે કરીને દેશમાં પરિવર્તન કરશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી તેવું તેઓએ જણાવ્યું હતું.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ જણાવ્યું હતું કે યુવા કોંગ્રેસ દ્વારા ગુજરાતના તમામ જિલ્લામાં પહેલા ’વોટ ફોર ઇન્ડિયા’ કેમપેઈનની શરૂઆત કરવામાં આવશે. ૧૮ થી ૨૪ વર્ષની વય યુવાનો માટે અતિશય મહત્વની હોય છે, આ વખતે યુવાનો પોતાનો પહેલો વોટ દેશના ભવિષ્ય માટે કરશે જેમાં મોંધવારી, બેરોજગારી, નફરતને ઉખાડી ફેંકીને શાંતિ, ભાઈ ચારાનું વાતાવરણ સ્થાપિત કરવામાં માટે પહેલો વોટ કરશે. ૧૮થી૨૫ વર્ષના યુવાનો ‘પેહેલા વોટ ફોર ઇન્ડિયા’ કેમ્પેઈનમાં જોડાવા માટે ૮૮૬૦૮૧૨૩૪૫ નંબર પર મિસ્કોલ કરીને જોડાઈ શકે છે. આગામી સમયમાં યુવા કોંગ્રેસ યુવાનો યુથ કોંગ્રેસમાં જોડવાનું કામ કરશે.
આ પ્રસંગે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય કોડીનેટર પવન મજેઠીયા,ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી જયમીન સોનારા, અમદાવાદ શહેર યુવા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇમરાન શેઠજી સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.