
વિશ્વ બેન્કે જણાવ્યું હતું કે, જો ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ વકરશે તો ખનીજ તેલની કિંમતોમાં જબરદસ્ત વધારો થઇ શકે છે. તેના પરિણામ સ્વરૂપ સમગ્ર વિશ્વમાં ખાવા પીવાની વસ્તુઓ મોંઘી થઇ શકે છે. વિશ્વબેંકના કોમોડીટી માર્કેટ આઉટલુકમાં જણાવવામાં આવ્યું છે કે જો લડાઈ ઉગ્ર નહી બને તો તેલની કિંમત પર મર્યાદિત અસર થશે.પરંતુ જો સંઘર્ષ વધશે તો સ્થિતિ બગડી શકે છે.
હમાસ દ્વારા ઇઝરાયેલ પરના હુમલામાં 1,400 થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના નાગરિકો હતા, લગભગ 240ને બંધક બનાવામાં આવ્યા છે. ઇઝરાયેલ દ્વારા હમાસ સામે યુદ્ધની ઘોષણા પછી પશ્ચિમ એશિયામાં વ્યાપક સંઘર્ષની આશંકા ઊભી થઈ છે અને તણાવ વધવાનો ડર સતાવી રહ્યો છે. ઇઝરાયેલી ટેન્ક અને પાયદળ ગાઝામાં મોકલી દેવામાં આવ્યું છે કેમ કે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધનો “બીજો તબક્કો” જાહેર કરી દીધો છે. બીજી તરફ હમાસના અધિકારીઓએ લેબનોનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લા સહિત અન્ય સહયોગીઓ પાસેથી વધુ મદદની માંગણી કરી છે.
વિશ્વ બેંકે તેના અહેવાલમાં નાના, મધ્યમ અથવા મોટા અડચણની સ્થિતિમાં વૈશ્વિક તેલ પુરવઠા માટે ત્રણ દૃશ્યો વિશે વાત કરી છે. વિશ્વ બેંકનો અંદાજ છે કે જો સંઘર્ષ ઓછો રહેશે તો તેની અસર મર્યાદિત હોવી જોઈએ – આ સંજોગોમાં તેલના ભાવ આવતા વર્ષે સરેરાશ $81 પ્રતિ બેરલ સુધી ઘટવાની અપેક્ષા છે.
પરંતુ જો મધ્યમ પ્રકારનું યુદ્ધ થાય તો વૈશ્વિક તેલના પુરવઠામાં દરરોજ 3 મિલિયનથી 5 મિલિયન બેરલનો ઘટાડો થશે, જેના કારણે તેલના ભાવમાં 35% જેટલો વધારો થવાની સંભાવના છે.
અહેવાલ મુજબ, 1973ના આરબ ઓઇલ પ્રતિબંધ દરમિયાન જે રીતે યુદ્ધ થયું હતું તેવા સંજોગોમાં વૈશ્વિક તેલનો પુરવઠો 6 મિલિયનથી 8 મિલિયન બેરલ પ્રતિ દિવસ ઘટશે અને કિંમતો 56% થી 75% અથવા 140થી 157 ડોલર પ્રતિ બેરલ સુધી સુધી વધી શકે છે.
વિશ્વ બેંકના ચીફ ઈકોનોમિસ્ટ ઈન્દરમિત ગીલે જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયાના આક્રમણની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પહેલાથી જ વિક્ષેપ જનક અસર પડી છે જે આજે પણ ચાલુ છે. ગિલે કહ્યું, “જો સંઘર્ષ વધશે, તો વૈશ્વિક અર્થવ્યવસ્થા દાયકાઓમાં પ્રથમ વખત બેવડા ઉર્જા સંકટનો સામનો કરશે – જે માત્ર યુક્રેન યુદ્ધને કારણે જ નહીં પરંતુ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિને કારણે સર્જાઈ છે.
વિશ્વ બેંકના ડેપ્યુટી ચીફ ઇકોનોમિસ્ટ અહાન કોસે જણાવ્યું હતું કે તેલના ઊંચા ભાવથી ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થશે. કોસે કહ્યું, “જો તેલના ભાવ નિર્ણાયક સ્તરે પહોંચે છે, તો તે ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો કરશે જે યુક્રેન પર રશિયાના આક્રમણના પરિણામે ઘણા વિકાસશીલ દેશોમાં પહેલેથી જ વધી ગયો છે.” નવા સંઘર્ષને કારણે જે તે ક્ષેત્ર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખાદ્ય અસુરક્ષામાં વધારો થવાની શક્યતા છે.
યુદ્ધની શરૂઆતથી તેલના ભાવમાં લગભગ 6% વધારો થયો છે. યુદ્ધની સ્થિતિમાં જેની કિંમત વધે છે તે સોનું વિશ્વ બેંક અનુસાર લગભગ 8% ઉછળ્યું છે. કેટલાક વિશ્લેષકોને શંકા છે કે યુએસ તેલની અછતનો સામનો કરી શકે છે કારણ કે યુએસ તેલનું ઉત્પાદન સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે. ગુરુવારે ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને જણાવ્યું હતું કે બિડેન વહીવટીતંત્ર હમાસ સામે ઇઝરાયેલના યુદ્ધના આર્થિક પરિણામોની સાવધાની પૂર્ણ દેખરેખ રાખી રહ્યું છે.