સીએમ ઓફિસ પાસે મણિપુર રાઈફલ્સ કેમ્પ પર હુમલો:ટોળું શસ્ત્રાગાર લૂંટવાના ઇરાદે આવ્યું હતું,સુરક્ષા દળોએ હવામાં ગોળીબાર કરીને ભગાડ્યા

ઇમ્ફાલ, મણિપુરના ઇમ્ફાલમાં મણિપુર રાઇફલ્સના કેમ્પ પર બુધવારે મોડી રાત્રે ટોળાએ હુમલો કર્યો હતો. ટોળાનો ઉદ્દેશ્ય મણિપુર રાઈફલ્સના શસ્ત્રાગારને લૂંટવાનો હતો. જોકે સુરક્ષાકર્મીઓએ હવામાં અનેક રાઉન્ડ ફાયરિંગ કરીને ભીડને વિખેરી નાખી હતી.રિપોર્ટ્સ અનુસાર આ દરમિયાન કેટલાક લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ ઈમ્ફાલમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. તે જ સમયે, આદિવાસી વિદ્યાર્થી સંગઠને તેંગનોપલ જિલ્લાના મોરેહ શહેરમાં વધારાના પોલીસ કમાન્ડોની તૈનાતીના વિરોધમાં બુધવારે મોડી રાતથી ૪૮ કલાકના બંધનું એલાન કર્યું છે. ટોળાએ ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં રાજભવન અને મુખ્યમંત્રી કાર્યાલયની નજીક સ્થિત મણિપુર રાઈફલ્સ કેમ્પને નિશાન બનાવ્યું હતું. મોરેહમાં એક પોલીસ અધિકારીની હત્યા પર ટોળું ગુસ્સે ભરાયું હતું અને તેનો વિરોધ કરવા માટે હથિયારોની માંગ કરી રહ્યું હતું.

આ પહેલા બપોરે મણિપુર પોલીસે ૪૪ લોકોની અટકાયત કરી હતી. અહેવાલો અનુસાર આમાંથી ૩૨ લોકો મ્યાનમારના નાગરિક છે. તેમના પર એક દિવસ પહેલા તેંગનોપલ જિલ્લાના મોરેહ વિસ્તારમાં એક પોલીસ અધિકારીની હત્યા અને પોલીસ કમાન્ડો ટીમ પર હુમલો કરવાનો આરોપ છે.વાસ્તવમાં, મંગળવારે મણિપુરમાં સુરક્ષા દળો પર ફાયરિંગની બે ઘટનાઓ બની હતી. પહેલો કેસ તેંગનોપલ જિલ્લાના મોરેહ વિસ્તારનો છે, જેમાં એક પોલીસ અધિકારી ચિંગથમ આનંદ કુમારે જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ પોલીસની ટીમ પર હુમલો થયો હતો, જે પોલીસ અધિકારીના મોત બાદ વિસ્તારમાં તૈનાત માટે મોકલવામાં આવી હતી. હુમલામાં ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

આ બે ઘટનાઓ બાદ સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને પૂછપરછ માટે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી હતી. મણિપુરમાં અનામતને લઈને ૩ મેના રોજ કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે હિંસા શરૂ થઈ હતી. હિંસાની ઘટનાઓમાં અત્યાર સુધીમાં ૧૮૦થી વધુ લોકો માર્યા ગયા છે. જ્યારે ૧૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ) એ અહેવાલ આપ્યો છે કે મેઈટી પોલીસ કમાન્ડોએ મોરેહમાં કુકી-જો આદિવાસીઓને હેરાન કરવાનું શરૂ કર્યું છે. આજે તેઓએ એક વિકલાંગ વ્યક્તિ સહિત ૧૨ નિર્દોષ ગ્રામજનોની તેમના ઘરેથી ધરપકડ કરી છે.

તેમણે કહ્યું કે આસામ રાઈફલ્સ પોલીસ કમાન્ડોને મોરેહ લઈ ગયા અને ઓપરેશન દરમિયાન તેમને મુક્તિ આપી. અહીં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, જેના કારણે લોકો રાશન પણ ખરીદી શક્તા નથી આઇટીએલએફે એવો પણ દાવો કર્યો હતો કે પોલીસ કમાન્ડોએ ગઈકાલે મોરેહના માર્ગ પર સિનમ ગામમાં આદિવાસીઓના ઘરોને લૂંટી લીધા હતા અને સળગાવી દીધા હતા. તેઓએ ચિકિમ ગામમાં બનેલી વોલ ઓફ રિમેમ્બરન્સને પણ આગ લગાવી હતી.

મણિપુરના સીએમ એન. બિરેન સિંહે આજે સવારે ઇમ્ફાલ શહેરમાં ૧લી બટાલિયન મણિપુર રાઇફલ્સ ગ્રાઉન્ડ ખાતે પોલીસ અધિકારીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું- આનંદ એક બહાદુર અને દેશભક્ત અધિકારી હતા. દરેક ભારતીયને તેના પર ગર્વ હોવો જોઈએ.તેમણે કહ્યું- ટૂંક સમયમાં તમામ ગુનેગારો પકડાઈ જશે. પોલીસ કમાન્ડો, આઈઆરબી, આર્મી અને આસામ રાઈફલ્સ જ્યાં સુધી પકડાઈ ન જાય ત્યાં સુધી સતત કોમ્બિંગ ઓપરેશન હાથ ધરશે.૨૬ ઓક્ટોબરે, ચુરાચંદપુરના સંયુક્ત વિદ્યાર્થી સંગઠનના સભ્યોએ શુક્રવારે સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં જાહેર રજા જાહેર કરી હતી. ૨૭ ઓક્ટોબરે રાજ્યના મુખ્ય સચિવ વિનીત જોશીએ વિદ્યાર્થી સંગઠનની આ નોટિસને ગેરકાયદેસર જાહેર કરી હતી. તેમણે કહ્યું- આ પ્રકારની જાહેરાત જાણી જોઈને કરવામાં આવી રહી છે. રાજ્યમાં અશાંતિ ફેલાવવા માટે આવું કરવામાં આવી રહ્યું છે.

જેબીએસએ કહ્યું હતું કે અમે આ મુશ્કેલ સમયમાં પણ અમારા નિવાસ સ્થાન પર યોગ્ય રીતે અભ્યાસ કરવા માંગીએ છીએ. આ માટે અમે એક ઠરાવ અપનાવ્યો છે. અમે તમામ સરકારી, બિનસરકારી સંસ્થાઓ અને શાળાઓમાં રવિવારને બદલે શુક્રવાર રજા તરીકે રાખવા માંગીએ છીએ. વિદ્યાર્થી સંગઠને ૧૮ ઓગસ્ટના રોજ એક ઠરાવ અપનાવ્યો હતો, જેમાં તમામ કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા રાખવાની હાકલ કરવામાં આવી હતી.