
નવીદિલ્હી, કેરળ સરકારે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી દાખલ કરી છે. કેરળ સરકારનો આરોપ છે કે રાજ્યપાલ ઘણા બિલોને મંજૂરી આપી રહ્યા નથી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન પાસે આઠ બિલ પેન્ડિંગ છે, જે રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ ૨૦૦ હેઠળ આ બિલ રાજ્યપાલને મંજૂરી માટે મોકલવામાં આવ્યા હતા પરંતુ રાજ્યપાલ તેમને મંજૂરી આપી રહ્યા નથી. આરોપ છે કે છેલ્લા બે વર્ષથી ત્રણ બિલ રાજ્યપાલ પાસે પેન્ડિંગ છે.
અરજીમાં કેરળ સરકારે માંગ કરી છે કે સુપ્રીમ કોર્ટ રાજ્યપાલને વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને સમયસર મંજૂર કરવાનો નિર્દેશ આપે. પિટિશન મુજબ, રાજ્યપાલને તમામ બિલોને સમયસર મંજૂર કરવામાં અને લોક્તાંત્રિક પ્રક્રિયાને અનુસરવામાં અવરોધ આવે છે જેથી કરીને લોકોના હિતમાં લોક કલ્યાણની યોજનાઓ લાગુ કરી શકાય. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે રાજ્યપાલ તેમની ફરજ નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. રાજ્યપાલ પાસે પેન્ડિંગ વિધેયકો પૈકી રાજ્યપાલને સરકારી યુનિવર્સિટીઓના કુલપતિ પદેથી હટાવવાનું બિલ પણ પેન્ડિંગ છે.
તમને જણાવી દઈએ કે બંધારણના અનુચ્છેદ ૨૦૦ હેઠળ, રાજ્યપાલ પાસે રાષ્ટ્રપતિની વિચારણા માટે કોઈપણ બિલને રોકવાની સત્તા છે. જો તે નાણા બિલ ન હોય તો રાજ્યપાલ આ બિલોને ફરીથી વિધાનસભામાં વિચારણા માટે મોકલી શકે છે. જો વિધાનસભા ફરીથી આ બિલો પસાર કરે છે, તો રાજ્યપાલ બિલને રોકી શકશે નહીં. એપ્રિલ ૨૦૨૩ માં તેના એક નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે રાજ્યપાલોને વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને ઝડપથી પસાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.