ભાવનગરમાં ચકાસણી કામગીરીમાં ૧૨૩ ઇવીએમ-વીવીપેટ રીજેક્ટ

ભાવનગર : લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી વર્ષ ર૦ર૪ના એપ્રિલ-મે માસમાં યોજાવાની શકયતા છે પરંતુ લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીનો ધમધમાટ ચૂંટણી પંચ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભાવનગરમાં ઈવીએમનુ પ્રથમકક્ષાનુ ચેકીંગ થોડા દિવસો પૂર્વે હાથ ધરવામાં આવ્યુ હતુ, જેમાં ઈવીએમ અને વીવીપેટની જીણવટભરી તપાસ કરવામાં આવી હતી. એફએલસીમાં કેટલાક ઇવીએમ-વીવીપેટ રીજેકટ થયા છે તે ભેલ કંપનીમાં પરત મોકલવામાં આવશે. 

ભાવનગર શહેરમાં વિદ્યાનગર ખાતે આવેલ સ્ટ્રોંગ રૂમ ખાતે ગત તા. ૪ ઓકટોબરે ઈવીએમનુ ફસ્ટ લેવલનુ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ, જેમાં ર, ૭૮૬ બેલેટ યુનીટ અને ર,પ૯૪ કન્ટ્રોલ યુનીટ મળી કુલ પ,૩૮૦ ઈવીએમની તપાસ કરવામાં આવી હતી. ર,૭૮૩ વીવીપેટનુ પણ ચેકીંગ કરવામાં આવ્યુ હતું. ઇવીએમ અને વીવીપેટની પ્રથમકક્ષાની તપાસ ભેલ કંપનીના ૮ એન્જીનીયર દ્વારા કરવામાં આવી હતી. ઇવીએમ-વીવીપેટની જીણવટભરી તપાસ કરવામાં આવી હતી, જેમાં આશરે ૧ર૩ ઇવીએમ-વીવીપેટમાં ટેકનીકલ ક્ષતી જોવા મળી હતી. ૪૧ બેલેટ યુનીટ, ૪ર કન્ટ્રોલ યુનીટ અને ૪૦ વીવીપેટમાં ક્ષતી જણાય હતી તેથી આ ઇવીએમ-વીવીપેટ રીજેક્ટ કરવામાં આવ્યા હતાં. રીજેકટ થયેલ ઈવીએમને ભાવનગરથી રાજકોટ મોકલાશે અને ત્યાંથી બેંગ્લોરની ભેલ કંપનીમાં મોકલવામાં આવશે. ર૭૪પ બેલેટ યુનીટ, રપપર કન્ટ્રોલ યુનીટ, ર૭૪૩ વીવીપેટમાં કોઈ ખામી જણાય ના હતી એટલે કે ૮૦૪૦ ઇવીએમ-વીવીપેટ બરોબર હોવાથી ફરી સ્ટ્રોંગ રૂમમાં પરત મુકી દેવામાં આવ્યા છે તેમ જિલ્લા કલેક્ટર કચેરીના સુત્રોએ માહિતી આપતા જણાવેલ છે. 

ફસ્ટ લેવલ ચેકીંગમાં જિલ્લા કલેકટર કચેરીના ૩ અધિકારી અને ર૯ કર્મચારીને કામગીરી સોંપવામાં આવી હતી. આ કામગીરી આશરે ર૪ દિવસ ચાલી હતી. ઇવીએમ સામે વારંવાર આક્ષેપ થતા હોય છે તેથી આ કામગીરી દરમિયાન રાજકીય પક્ષોને હાજર રહેવા જણાવવામાં આવે છે. 

ભાવનગર શહેરમાં ઇવીએમ-વીવીપેટની ચકાસણી ચૂંટણી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન રાજકીય પક્ષોને હાજર રહેવા જણાવાયુ હતુ, જેમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને બીએસપીના સભ્યો હાજર રહ્યા હતાં. ભાજપના સભ્યો નિયમીત આવતા હતા પરંતુ અન્ય પક્ષના સભ્યો કયારેક કયારેક આવતા હોવાનુ જાણવા મળેલ છે. રાજકીય પક્ષો દ્વારા ઇવીએમને લઈ આક્ષેપો કરવામાં આવે છે પરંતુ ચકાસણી કામગીરી દરમિયાન રાજકીય પક્ષો નિયમીત હાજર રહેતા નથી, જે ગંભીર બાબત છે.