ભાગેડૂ વિજય માલ્યાના દીકરા સિદ્ધાર્થે ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી

ફડચામાં ગયેલી કિંગફિશર એરલાઈન્સના માલિક અને ભારત સરકારે જેને આર્થિક ગેરરીતિઓના કેસમાં ભાગેડૂ જાહેર કર્યો છે તે ઉદ્યોગપતિ વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યા પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે, કારણ કે તેઓ એમની લાંબા સમયની ગર્લફ્રેન્ડ જાસ્મીન સાથે હવે સગાઈના બંધનથી બંધાઈ ગયા છે. સિદ્ધાર્થે જાસ્મીનને લોસ એન્જેલીસમાં યોજવામાં આવેલી એક હેલોવીન પાર્ટીમાં પ્રપોઝ કર્યું હતું. સિદ્ધાર્થે આની તસવીરો એમના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બોલીવુડ અભિનેતા રિતીક રોશનની ભૂતપૂર્વ પત્ની સુઝેન ખાને સિદ્ધાર્થને અભિનંદન આપ્યાં છે. જાસ્મીને પણ એનાં સોશિયલ મીડિયા હેન્ડલ પર એની સગાઈની વીંટી દર્શાવી છે અને લખ્યું છે: ‘હંમેશ માટે.’

ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ એક સમયે બોલીવુડ અભિનેત્રી દીપિકા પદુકોણ સાથે રિલેશનશિપમાં હતા. તે સંબંધનો અંત આવ્યા બાદ દીપિકાએ સહકલાકાર અભિનેતા રણવીરસિંહ સાથે લગ્ન કર્યા હતા. એક આઈપીએલ મેચ વખતે સિદ્ધાર્થ અને દીપિકા ચુંબન કરતાં કેમેરામાં ઝડપાઈ ગયાં હતાં, પરંતુ ત્યારબાદ તરત જ બંનેએ એમનાં સંબંધનો અંત લાવી દીધો હતો. 2014માં સિદ્ધાર્થે એક દૈનિકને આપેલી મુલાકાતમાં કબૂલ કર્યું હતું કે, ‘હા અમે બેઉ એકબીજાને ડેટિંગ કરતાં હતાં. હું હજી પણ દીપિકાનાં સંપર્કમાં છું. હું અનુષ્કા શર્મા સાથે રિલેશનશિપમાં છું એવી પણ અફવા ચાલે છે, પણ હું એને તો માત્ર બે જ વાર મળ્યો હતો.‘