રાજુલામાં ગઈકાલે રમવા ગયેલા બે ભાઈ ગુમ થયા હતાં, તળાવમાંથી બંનેના મૃતદેહ મળ્યા

અમરેલી, રાજુલા તાલુકાના મોરંગી ગામમાં બે ભાઈઓ રમતાં રમતાં અચાનક ગુમ થઈ ગયાં હતાં.બંને ભાઈઓની આખી રાત શોધખોળ કરવામાં આવી હતી. ત્યારે આજે વહેલી સવારે તળાવમાંથી બંનેના મૃતદેહ મળતાં ચકચાર મચી જવા પામી છે. બંને ભાઈઓના મોઢા પર ઈજા થઈ હોવાના નિશાન મળતાં પોલીસે બંનેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર મોકલી આપ્યા છે.બંને બાળકો તળાવમાં ડૂબી જતાં મોતને ભેટયાં છે કે કોઈ અન્ય કારણે તેમનું મોત થયું છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજુલાના મોરંગી ગામમાં ગઈ કાલે સાંજના સમયે વિજય મકવાણાના કુણાલ અને મિત નામના બે પુત્રો રમવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતાં. બંને જણા મોડી રાત સુધી પરત નહીં ફરતાં પરિવારે તેમની શોધખોળ હાથ ધરી હતી. ત્યાર બાદ પોલીસમાં જાણ કરાતા પોલીસ પણ બંને બાળકોને શોધવા માટે કામે લાગી હતી. આખી રાતની શોધખોળ બાદ પણ બંનેના કોઈ સગડ મળ્યા નહોતા. ત્યાર બાદ ગામના તળાવમાં શોધખોળ કરતાં આજે વહેલી સવારે બંનેના મૃતદેહ મળી આવતાં સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે બંને ભાઈઓના મૃતદેહ રાજુલા સિવિલમાં ખસેડ્યા હતાં. બંને બાળકોના મોઢા પર ઈજા પહોંચી હોવાના નિશાન હોવાથી પોલીસે તેમના મૃતદેહોને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર મોકલી આપ્યા હતાં. પોલીસે આ ઘટનામાં સાતેક જેટલી ટીમો બનાવીને વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે