પેરિસ, પેરિસમાં એક મેટ્રો સ્ટેશન બહાર હિજાબ પહેરેલી એક મહિલાએ ’અલ્લાહ-હુ-અકબર’ અને ’તમે બધા મરવાના છો’ જેવા નારા લગાવી આતંકી જેવું વર્તન કરતાં પ્રવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ સમયે પોલીસે પોતાના બચાવમાં મહિલાને ગોળી મારી દીધી હતી.મધ્ય-પૂર્વમાં ઈઝરાયેલ અને હમાસ વિરુદ્ધ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ફ્રાન્સ સહિત સમગ્ર યુરોપમાં પેલેસ્ટાઈન તરફી દેખાવો થઈ રહ્યા છે. વધુમાં ફ્રાન્સમાં છેલ્લા કેટલાક સમયથી ઈસ્લામિક કટ્ટરવાદ વધી રહ્યો છે. સાર્વજનિક સ્થળો પર હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકેલો છે ત્યારે પેરિસમાં મંગળવારે બિબ્લિયોથેક નેશનલ ડી ફ્રાન્સ મેટ્રો સ્ટેશન પર હિજાબ પહેરેલી એક મહિલાએ ’અલ્લાહુ અકબર’ અને ’તમે બધા મરવાના છો’ તેવા નારા લગાવ્યા હતા.
આ મહિલાના આતંકી જેવા વર્તનથી સાથી પ્રવાસીઓ ગભરાઈ ગયા હતા. કેટલાક સૂત્રોનું કહેવું છે કે મહિલાએ પોતાની જાતને ઊડાવી દેવાની ધમકી આપતી હતી. આ સમયે પોલીસે પોતાની સુરક્ષા માટે મહિલા પર ગોળી ચલાવી હતી. ગોળી મહિલાના પેટની આરપાર થઈ ગઈ હતી અને તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જોકે, પોલીસે ઘાયલ મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી છે.
સરકારી પ્રવક્તા ઓલિવિયર વેરને કહ્યું કે પ્રવાસીઓએ મહિલા અંગે જણાવ્યું કે તે એકદમ આક્રમક હતી. પોલીસે કહ્યું કે, હજુ સુધી આ મહિલાની ઓળખ થઈ શકી નથી. પરંતુ વર્ષ ૨૦૨૧માં આતંકવાદ વિરોધી સેન્ટિનેલ ઓપરેશનમાં શહેરની પેટ્રોલિંગ ટુકડીને જે મહિલાએ ધમકી આપી હતી તે આ જ મહિલા હોવાનું મનાય છે.
ફ્રાન્સમાં જુલાઈ મહિનામાં એક મુસ્લિમ કિશોરના મોત પછી કટ્ટરવાદી મુસ્લિમોએ પેરિસમાં ભારે તોડફોડ અને આગજની કરી હતી. આ રમખાણો અનેક દિવસ સુધી ચાલ્યા હતા.