મુંબઇ, અભિનેત્રી કંગના રનૌતે ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધીને લઈને પંજાબી ગાયક શુભ પર નિશાન સાધ્યું હતું. તેણે પૂર્વ પીએમની ’કાયરતાપૂર્ણ હત્યા’ની ઉજવણી કરવા બદલ શુભ પર સવાલ ઉઠાવ્યા છે. અહેવાલ છે કે એક પંજાબી ગાયકે કોન્સર્ટ દરમિયાન પંજાબના નકશા અને ઈન્દિરા ગાંધીની હત્યાની તારીખનો ઉલ્લેખ કર્યો હતો.
કંગનાએ લખ્યું, ’લોકો દ્વારા એક વૃદ્ધ મહિલાની કાયરતાપૂર્ણ હત્યાની ઉજવણી કરવી એ બહાદુરી નથી, ખાસ કરીને જેમને તેમણે પોતાની સુરક્ષા માટે તૈનાત કર્યા હતા.
જ્યારે તમારા પર સુરક્ષાનો ભરોસો હોય અને તમે એ ભરોસાનો લાભ ઉઠાવો અને તમે જેની રક્ષા કરવાના હતા તે જ હથિયારથી તેને મારી નાખો, તો આ બહાદુરી નથી, શરમજનક અને કાયરતા છે.
તેણે આગળ લખ્યું, ’જે લોકો નિ:શસ્ત્ર અને વૃદ્ધ મહિલા પર આ રીતે હુમલો કરે છે તેમને શરમ આવવી જોઈએ. એક મહિલા, જે લોકશાહીની ચૂંટાયેલી નેતા હતી. આમાં વખાણ કરવા જેવું કંઈ નથી, શુભમ જી. શરમ કરો.’
રિપોર્ટ્સ અનુસાર, એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પંજાબી સિંગર ભીડને હૂડી બતાવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હૂડી પર પંજાબના નકશા પર ઈન્દિરા ગાંધીની હત્યાની તારીખ લખેલી છે. હાલમાં, ગાયક તરફથી આ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. આ પહેલા પણ પંજાબી સિંગર્સ પંજાબનો નકશો પોસ્ટ કરીને વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે.
શુભના મુંબઈ કોન્સર્ટને લઈને ઘણો વિવાદ થયો હતો. તેના પર ખાલિસ્તાનીઓને સમર્થન કરવાનો આરોપ હતો. મુંબઈમાં કોન્સર્ટના પોસ્ટરો પણ ફાડી નાખવામાં આવ્યા હતા. બાદમાં તેનો શો રદ કરવામાં આવ્યો હતો.
શુભને સંગીત ઇન્ડસ્ટ્રીનો ઉભરતો સ્ટાર પણ માનવામાં આવે છે. કેનેડામાં સ્થાયી થયેલ શુભ, મુખ્યત્વે પંજાબી સંગીત ઇન્ડસ્ટ્રીનો એક ભાગ રહ્યો છે. એવું કહેવાય છે કે તે વી રોલીન આલ્બમથી પ્રખ્યાત થયો હતો. ભારત અને કેનેડા ઉપરાંત બ્રિટન, અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં પણ તેના વિશાળ ફોલોઅર્સ છે.