દારૂના નશામાં ટલ્લી થઈને ભાજપ નેતાએ સુરતમાં પાણીપુરી વેચતી મહિલાને હેરાન-પરેશાન કરી

સુરતના વધુ એક નેતા વિવાદમાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, સુરતના બારડોલીના ભાજપ કોષાધ્યક્ષ દારૂના નશામાં ઝડપાયા છે. વિગતો મુજબ બારડોલી તાલુકા ભાજપ કોષાધ્યક્ષ સુરતમાં પાણીપુરી વેચતી મહિલાઓને હેરાન-પરેશાન કરતાં હતા. જેથી મહિલાએ આ અંગે બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદમાં પોલીસ બારડોલી તાલુકા ભાજપ કોષાધ્યક્ષની અટકાયત કરી તપાસ શરૂ કરતાં આ દરમિયાન તાલુકા ભાજપ કોષાધ્યક્ષ નશામાં જણાઈ આવ્યા હતા. જેને લઈ હવે ખુદ પોલીસ પણ ફરિયાદી બની તેમની સામે ગુનો દાખલ કર્યો છે. જોકે મહત્ત્વનું છે કે, અટકાયત બાદ હાલ આ ભાજપ કોષાધ્યક્ષ જામીન પર મુક્ત થયા છે. 

ગુજરાતમાં અનેકવાર રાજકીય નેતાઓની દાદાગીરી અને નેતા કે કોઈપણ પક્ષના કાર્યકર્તાઓ નશામાં હોવાનું સામે આવી ચૂક્યું છે. આવી જ એક ઘટના હવે સુરતથી સામે આવી છે. વિગતો મુજબ બારડોલી તાલુકા ભાજપના કોષાધ્યક્ષ ડૉ.કૌશલ પટેલ દારૂના નશામાં ઝડપાયા છે. બારડોલી ભાજપના કોષાધ્યક્ષ ડૉ.કૌશલ પટેલ પર પાણીપુરી વેંચતી મહિલાએ હેરાનગતિ કરવાનો આરોપ મૂક્યો હતો. જે બાદમાં આ મહિલાએ ભાજપના કોષાધ્યક્ષ ડૉ.કૌશલ પટેલ વિરુદ્ધ બારડોલી પોલીસ મથકે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. 

બારડોલી તાલુકા ભાજપના કોષાધ્યક્ષ ડૉ.કૌશલ પટેલ સામે આરોપો સાથેની ફરિયાદ બાદ બારડોલી પોલીસે તેમની અટકાયત કરી હતી. જોકે ચોંકાવનારી વાત તો એ છે કે, ગાંધીના ગુજરાતમાં આ ભાજપ નેતા પોલીસની તપાસ દરમિયાન જ નશામાં જોવા મળ્યા હતા. જેથી બારડોલી પોલીસે ખુદ ફરિયાદી બની આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો. નોંધનીય છે કે, અટકાયત બાદ ડૉ કૌશલ પટેલ જામીન ઉપર મુક્ત થયા હતા.