સુરત : ક્રિકેટ વિશ્વ કપ ટુર્નામેન્ટ દરમિયાન સુરત પોલીસે સટ્ટાકાંડમાં મોટો પર્દાફાશ કર્યો છે. આર્થિક ગુના નિવારણ શાખાએ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતાં બુકીઓ દ્વારા ડમી અને ફેક એકાઉન્ટ દ્વારા કરાયેલા 7800 કરોડના ટ્રાન્ઝેક્શનને ઝડપી પાડ્યું છે. એક વર્ષ અગાઉ ડીંડોલીમાં દરોડો પાડી સટ્ટાબેટિંગ અને હવાલા નેટવર્ક અંગે મોટા ઘટસ્ફોટ કરાતાં આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પણ તપાસ શરૂ કરાઇ હતી.
આ કેસમાં ઇકો સેલે એક વર્ષ બાદ હાઇપ્રોફાઇલ બુકીઓની ધરપકડ કરી ખૂબ જ ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડયું છે.સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાના એસીપી વી. કે. પરમાર ના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટર અશરફ બલોચની ટીમે તાજેતરમાં ડીંડોલીના રાજમહેલ મોલમાં દરોડો પાડી સટ્ટાબેટિંગનું રેકેટ ઝડપી પાડ્યું હતું. કૌભાંડમાં હરીશ જરીવાલા, ઋષિકેશ શિંદે, હુઝૈફા કૌશર મકાસરવાળા તેમજ રાજ દિનેશ શાહની ધરપકડ કરી અલગ અલગ 8 બેંકોની પાસબુક, 75 સીમકાર્ડ, 30 અલગ અલગ વ્યક્તિઓના આધારકાર્ડ, 53 ડેબિટ કાર્ડ, 25 અલગ અલગ ફર્મના સિક્કા અને લેપટ હેડ વિગેરે દસ્તાવેજો કબજે લેવાયા હતાં.
દસ્તાવેજોની ચકાસણીમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ડોક્યુમેન્ટ દ્વારા સટોડિયાઓ 260 બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરતા હોવાનું ખુલ્યું હતું. જે ખાતા ડમી એટલે કે ફેક આઈડીથી ખોલાયેલા અને ત્રાહિત વ્યક્તિઓ મારફત ઓપરેટ કરાતાં હતાં. આ એકાઉન્ટની તપાસમાં પોલીસને 7800 કરોડના વ્યવહારો મળ્યા હતાં. ઇકો સેલે બીજું નોંધપાત્ર પગલું ભરતાં આ ડમી એકાઉન્ટમાં જમા 3.04 કરોડ રૂપિયા ફ્રીઝ કરાવ્યા હતાં.
આ રેકેટનો પર્દાફાશ થતાં જ કેન્દ્રીય રેવન્યૂ એજન્સી દોડતી થઇ ગઇ હતી. ખાસ કરીને ઇડી દ્વારા આ તપાસની માહિતી માંગવામાં આવી હતી. પોલીસે આપેલા પ્રાથમિક રિપોર્ટ બાદ ઇડીના અધિકારીઓ સુરત દોડી આવ્યા અને ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શનની પેટર્ન અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. બુકીઓ દ્વારા બેન્કિંગ સિસ્ટમ થકી જ જે રીતે નાણાકીય હેરાફેરી કરાઈ મોડ્સ ઓપરેન્ડી જાણીને તેઓ ચોંકી ઉઠ્યા હતાં.
ઇડીના અધિકારીઓએ પણ આ કૌભાંડમાં તપાસ આરંભી હતી. ઇડી દ્વારા પણ આ સટ્ટાખોરોની મિલકતો ટાંચમા લેવામાં આવી હતી.આ કેસમાં આર્થિક ગુના નિવારણ શાખાએ ચાર્જશીટ પણ કર્યું હતું, વોન્ટેડ બુકીઓ પૈકી બહુચર્ચિત દિનું રત્ના ભરવાડ ઉર્ફે દિનેશ ખંભાતી, હુસૈન કૌસર મકાસરવાળા, ચિરાગ સુરેશ પટેલ, સાગર લલીત કાવાની ધરપકડ કરાઈ હતી. આ તમામ સામે 27 જુલાઈ 2023ના રોજ ચાર્જશીટ કરાઇ હતી.
હવે આ કેસમાં આગળ વધતા બકુલભાઇ કિર્તીલાલ શાહ ( રહે. ક્રિષ એપાર્ટમેન્ટ, રાજહંસ થીયેટરની પાછળ, સુરત. મુળ રહે.નવા ડીસા,ચંદ્રલોક સોસાયટી કોલેજ રોડ તા. ડીસા, જી.બનાસકાંઠા (૨) હર્ષ કમલેશભાઇ શાહ (રહે,અંકુર એપાર્ટમેન્ટ, કૈલાશનગર, મજુરાગેટ રોડ, મજુરા સુરત શહેર મૂળ રહે ચંદીસર તા.પાલનપુર જી.બનાસકાઠા (૩) પાર્થ શૈલેષભાઇ જોષી (રહે. વાડી, આદિપુર, ગાંધીધામ જી. કચ્છ મુળ રહે, બિલખા, વિસાવદર જીનાગઢ (૪) આકાશ પ્રવિણચંદ્ર પારેખ (રહે, ભાગ્યરત્ન હાઇટ્સ, નીઅર નીશાલ આર્કેડ, પાલ, સુરત શહેર મુળ રહે. વાવ જી.બનાસકાંઠા) ની ૨૮/૧૦/૨૦૨૩મી તારીખે રાતે ધરપકડ કરી છે. પોલીસે આ ધરપકડોની ક્રેડિટ લેવામાં રસ દાખવ્યો ન હતો.
આ રેકેટમાં હાઇપ્રોફાઇલ બુકી એવા દિનેશ ખંભાતીને પકડવામાં ઇકો સેલ સફળ રહી હતી. આ કેસમાં એક વર્ષ બાદ ઝડપાયેલો હર્ષ શાહ અને આકાશ પારેખ બંને સટ્ટાબેટિંગ કૌભાંડના મોટા માથા કહેવાય છે.આરોપીઓના રાજકીય વર્ચસ્વ ધરાવતા લોકો સાથે સાંઠગાંઠના આરોપો પણ સામે આવ્યા હતા. મહત્વની ધરપકડોની વિગતો પણ જાહેર કરાઈ ન હતી.
સટ્ટા બેટિંગમાં 7800 કરોડના આર્થિક વ્યવહારોનો ઇકો સેલ દ્વારા પર્દાફાશ કરવા સાથે જે મોટા માથાઓને વોન્ટેડ જાહેર કર્યા એમાં કચ્છ ગાંધીધામના અમિત મજીઠીયા, રાજકોટના રાકેશ રાજદેવ ઉર્ફે આર.આર. રાધનપુરના હરેશ ચૌધરી, આકાશ, ખંભાતનો દિનુ ભરવાડ ઉર્ફે દિનેશ ખંભાતી, છત્તીસગઢનો સુભાષ ચંદ્રાકર ઉર્ફે મહાદેવ, નવીન ચૌધરી બનાસકાંઠા, અજયસિંહ વાઘેલા પાટણ, દિલીપ હેમરાજ ચૌધરી પાટણ, ચેતન ચૌધરી હારીજ પાટણ તથા સુરતમાં મોટું કામ ધરાવતો રાધનપુર પીપળીનો હાર્દિક નવીનચંદ્ર મહેતા, હર્ષ શાહ, વડોદરા ભાયલીનો ચિરાગ સુરેશ પટેલ, લીલત કાવા વિગેરે છે.