જૂનાગઢમાં બેંક કર્મીએ ગ્રાહકની એફ.ડી. તોડી ૧૫.૨૮ લાખ ચેકથી ઉપાડી લીધા

જૂનાગઢ : જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા અને ટયુશન કલાસ ચલાવતા યુવાને એચ.ડી.એફ.સી. બેંકના એક કર્મચારી મારફત ૧પ.ર૮ લાખ એફ.ડી. કરાવી હતી. બેંક કર્મચારીએ ગ્રાહકના મોબાઈલનો ઉપયોગ કરી નેટબેંકિંગ મારફત એફ.ડી. તોડી રકમ ખાતામાં ટ્રાન્સફર કરી હતી. બાદમાં યુવાનને મેન્ટેનન્સ ચાર્જના નામે ચેક મેળવી લીધો હતો. આ ચેક મારફત ૧પ.ર૮ લાખ રૂપીયા ઉપાડી લીધા હતા. આ અંગે ફરિયાદ થતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

મુળ શાપુરના અને હાલ જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા અને ટયુશન કલાસ ચલાવતા નયનભાઈ પરશોતમભાઈ સવસાણી(ઉ.વ.૪૧)નું મોતીબાગ પાસે આવેલી એચ.ડી.એફ.સી. બેંકમાં એકાઉન્ટ છે. તા.રર-૭-ર૦રરના તેઓ બેંક ખાતે પૈસા જમા કરાવવા ગયા ત્યારે રાજ યોગેશ મણીયાર નામનો બેંક કર્મચારી મળ્યો હતો. તેને પાંચથી સાત લાખની એફ.ડી. કરાવાની વાત કરી હતી. આથી રાજ મણીયારે હું તમને એક બીજું નવું એકાઉન્ટ ઓપન કરી આપું છું જેનાથી તમને નોર્મલ સેવીંગ એકાઉન્ટ કરતા વધુ સુવિધાઓ મળશે. નવું એકાઉન્ટ ખોલ્યા બાદ નયનભાઈએ પ્રથમ પાંચ લાખ ત્યારબાદ બે લાખ ત્યારપછી સાત લાખ જમા કરાવ્યા હતા. નયનભાઈએ તા.ર૮-૧૧-ર૦ર૪ સુધીની મુદ્દતની ૧પ.રપ લાખની બે એફડી કરાવી હતી.  નયનભાઈને નોમીનીમાં નામ બદલાવવું હોવાથી રાજ મણીયારને જાણ કરી હતી. તેના ૧૬૦૦ રૂપીયા ચાર્જ કપાશે તેમ કહ્યું હતું. તમારા રૂપીયા ન કપાય તે માટે તમારી સહી વાળો ચેક આપવો પડશે તેવો મેસેજ કર્યો હતો. તા.૧૮-૯-ર૦ર૩ના નયનભાઈ બેંક ખાતે ગયા ત્યારે રાજ મણીયારે નોમીનેટનું નામ હમણા જ ઓનલાઈન બદલી આપું છું, તમારા મોબાઈલમાં નેટ બેકિંગ ખોલી આપો, ૧૦-૧પ મિનીટ દરમ્યાન રાજ મણીયારે મોબાઈલમાં પ્રોસેસ કરી હતી. ત્યારબાદ ચેકબુક બાબતે વાત કરી હતી પરંતુ ચેકબુક આવી ન હતી આથી નયનભાઈએ બેંક ખાતે ચેકબુક બાબતે તપાસ કરતા રાજ મણીયાર બેંકની નોકરીમાંથી નીકળી ગયો છે એવો જવાબ મળ્યો હતો. નયનભાઈએ બેંક ખાતે જઈ મેનેજરને મળી ખાતાની તપાસ કરતા તેની એફ.ડી. ૧પ.રપ લાખ રકમ ઉપાડેલી હતી તેમજ સેલેરી એકાઉન્ટમાં માઈન્સ ત્રણ હજાર હોવાનું જાણવા મળ્યું હતું. નયનભાઈએ એફડી તોડી ન હતી, ચેકથી રકમ ઉપાડી ન હતી છતાં પૈસા ઉપડી ગયા હતા. આ અંગે નયનભાઈએ બેંક કર્મચારી રાજ યોગેશ મણીયાર સામે ૧પ.ર૮ લાખ રૂપીયાની એફ.ડી. તોડી ચેક મારફત ઉપાડી લઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવતા સી ડીવીઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.