બેંકમાં અચાનક ઘૂસ્યું પૂરનું પાણી, જોતજાતામાં ૪૦૦ કરોડ રૂપિયા બરબાદ થઇ ગયા

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં નાગ નદીના પૂરના પાણી એક બેંકમાં ઘૂસી જતાં 400 કરોડ રૂપિયાની નોટો બરબાદ થઈ ગઈ હતી. બેંક ઓફ મહારાષ્ટ્ર (BoM) ની સીતાબર્ડીના ઝોનલ ઓફિસ પૂરના પાણીમાં ડૂબી ગઈ હતી. જેના કારણે બેંકમાં રાખવામાં આવેલી સો કરોડની નોટો ભીંજાઈ ગઈ હતી. બેંકનું લેટેસ્ટ અપડેટ આરબીઆઇને આપવામાં આવ્યું છે. હાલમાં બેંક અધિકારીઓએ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. 23 સપ્ટેમ્બરે નાગ નદીના પૂરનું પાણી બેંકના સ્ટ્રોંગ રૂમમાં ઘૂસી ગયું હતું. બેંક પરિસરમાંથી પાણી હટાવવામાં 24 કલાકથી વધુ સમય લાગ્યો હતો.

શેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બેંકમાં પાણી ઘૂસી રહ્યું છે અને બેંક કર્મચારીઓ લાચાર બનીને જોઈ રહ્યા છે. જોકે, બેંકના ઝોનલ મેનેજર વૈભવ કાળેએ તિજોરીમાં પાણી ભરાયેલ હોવાનો ઇનકાર કે પુષ્ટિ કરી નથી. નિષ્ણાતોએ કહ્યું કે કરન્સી બરબાદ થઈ ગઈ હોવા છતાં કોઈના પૈસા ક્યાંય ગયા નથી, બેલેન્સ શીટ યથાવત રહેશે. આ બેંકનું ઉદ્ઘાટન 1967માં તત્કાલિન મુખ્યમંત્રી વસંતરાવ નાઈકે કર્યું હતું.

તમને જણાવી દઈએ કે આ ઘટના અંગે આરબીઆઈને જાણ કર્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. RBIએ ફાટેલી નોટો દૂર કરવા અને કરન્સી સેફ રિફિલ કરવા માટે એક નિરીક્ષણ ટીમ મોકલી છે. બેંકના ટોચના અધિકારીઓ નોટોની ગણતરી અને સ્કેનિંગ કરી રહ્યા છે અને જે ફરીથી જારી કરી શકાતી નથી તેનો નાશ કરી રહ્યા છે. જો કે, જો બેલેન્સ ઘટે છે તો બેંકે પોતે ચૂકવણી કરવી પડી શકે છે. ટીઓઆઇ સમાચાર અનુસાર, પૂણેની એક સરકારી બેંક પણ આવા જ સંકટનો સામનો કરી રહી છે.