ગોધરા,
ભારતીય સેનાની અતિસંવેદનશીલ વિગતો પાકિસ્તાનને પહોંચાડનાર પંચમહાલ જિલ્લાના વતની તથા પંજાબના ફિરોઝપુર કેન્ટમાં ફરજ બજાવતાં આર્મી જવાનની ધરપકડ કરવામાં આવી છે. ૨૦૨૦માં પાકિસ્તાની ઇન્ટેલિજન્સ ઓફિસર સીદરાખાનના સંપર્કમાં ફેસબુકના માધ્યમથી આવ્યા બાદ હટ્રિપમાં ફસાયેલા આર્મીના આઇટી સેલમાં પોસ્ટિંગ થયા બાદ કૃણાલ બારીયાએ અતિસંવેદનશીલ માહિતી પાકિસ્તાની જાસૂસી એજન્સીને વિવિધ સોશિયલમીડિયા એપ્લિકેશન મારફતે મોકલતો હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબના ફિરોઝપુર કેન્ટમાં ફરજ બજાવતા આર્મી જવાન કૃણાલ બારીયાની પંજાબ પોલીસે શનિવારે જાસૂસીના આરોપસર ધરપકડ કરી હતી.
પંજાબ પોલીસના સ્ટેટ સ્પેશિયલ ઑપરેશન સેલે અમૃતસરમાંથી સૈન્યના જવાન કૃણાલકુમાર બારીયાની ધરપકડ કરી હતી તે ફિરોઝપુર કેન્ટ ખાતે આઇટી સેલમાં ફરજ બજાવતો હતો. કૃણાલ બારીયા સોશિયલ મીડિયાની વિવિધ એપ દ્વારા પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇના સંપર્કમાં હતો. આઇટી સેલમાં ફરજનો લાભ ઉઠાવીને બારીયાએ આર્મીને લગતી અતિસંવેદનશીલ માહિતીઓ પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સને મોકલી હતી, જેના બદલામાં તેને મોટી રકમ ચૂકવવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ હતુ. હાલના તબક્કે તેને અત્યાર સુધી માત્ર દસ હજારની જ એન્ટ્રી મળી હોવાનું બહાર આવ્યુ છે. જો કે, પોલીસને શંકા છે કે, તેને માહિતી પહોચાડવા બદલ લાખોની રકમ મળી છે.
આ નાણાં કયા રસ્તે અને કોના સુધી પહોચાડવામાં આવ્યા છે. તે અંગેની પોલીસે તપાસ આરંભી દીધી છે. પોલીસે તેના પરિવારજનોના બેન્ક ખાતાની ચકાસણી આરંભી દીધી છે. કૃણાલ ૨૦૨૦માં ફેસબુકના માઘ્યમથી પાકિસ્તાની ઇન્ટેલિજન્સ ઓફિસર સીદરા ખાનના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં તેઓ વોટ્સએપ તથા અન્ય એપના માધ્યમથી સંપર્કમાં હતા. આ ઉપરંત સીદરા ખાન કૃણાલની સાણે ત્રણ નંબરથી સંપર્કમાં હતી. તે પૈકીનો એક નંબર તો ભારતીય કંપનીનો તથા બે નંબર પાકિસ્તાની ટેલીફોન કંપનીના હોવાનું પોલીસ તપાસમાં હાથમાં લાગ્યું છે. આ ભારતીય કંપનીનો નંબર પાકિસ્તાની મહિલાની પાસે કેવી રીતે પહોચ્યો તે અંગેની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઝડપાયેલા કૃણાલ બારીયાનું પરિવાર હાલમાં અમદાવાદમાં સ્થાયી થયેલુ છે. તે પંચમહાલ જિલ્લાના શહેરાના ધમણોદ ગામનો વતની છે. પજાંબ પોલીસના સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ દ્વારા ધરપકડ કરીને રવિવારે તેને અદાલતમાં રજૂ કરીને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. અદાલતે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.