કડાણા, કડાણા તાલુકા મથકે સરપંચના મનસ્વી વહીવટથી લોકો પરેશાન થઈ ગયા છે. કડાણા તાલુકા મથકે ગામના મઘ્ય કડાણા સ્ટેટ વખથી બનાવેલો ચબુતરો પણ સરપંચે પુરાતત્વ ખાતાની મંજુરી વગર તોડી પાડેલો છે. કડાણા ગામના મઘ્યે આંગણવાડીમાં હાલ પોતાના મળતિયા કોન્ટ્રાકટર નહિ પણ એસ.ટી.ના રિટાયર્ડ ડ્રાઈવરને આંગણવાડી બનવાનુ કામ આપી મનસ્વી વહીવટ થઈ રહ્યો છે. આ આંગણવાડીમાં કડાણા દવાખાનાના સ્ટાફ કવોટરની પાડી દીધેલી દિવલોની ઈંટો વાપરવામાં આવેલી છે. આ બાબતે ગામના એક જાગૃત નાગરિકે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી આંગણવાડીના નવીન મકાન બિલ નહિ ચુકવવા રજુઆત કરી છે. વધુમાં હાલમાં સરપંચ જે મકાનમાં રહે છે તે પંચમહાલ ડેરીના પૈસાથી બનાવેલ છે. આ જગ્યા સરકારી હોવાથી જે તે વખતે દબાણ દુર કરવા નોટિસ પણ આપેલી છે. વિશેષમાં પોતે સંરક્ષણ દિવાલના નામે અન્ય ઈસમની માલિકની દિવાલ ઉપર બાંધકામ કરી ભ્રષ્ટાચાર કરેલો હોવાનુ જાણવા મળે છે. જિલ્લાના ઉચ્ચ અધિકારી આ સમગ્ર બાબતની તપાસ કરે ત્યારે સાચી હકીકત જાણવા મળે તેમ માંગ ઉઠવા પામી છે.