વાપીમાં બંદુક અને તલવારની અણીએ સોના અને ચાંદીના દાગીનાની લૂંટ

વાપી, વાપીના ભડકમોરા વિસ્તારમાં આવેલી જ્વેલર્સ માલિક અને કર્મચારીને ગઇકાલે સોમવારે રાત્રે બંદુક અને તલવારની અણીએ લૂંટ ચલાવી ભાગી ગયા હતા. કારમાંથી અંદાજીત ૮૦ તોલા સોના અને ૬ કિલો ચાંદીના દાગીના અને રોકડની લૂંટ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે. કેમેરામા ઘટના કેદ થઇ હતી.

પ્રાપ્ત માહિતિ અનુસાર વાપીના ભડકમોરા વિસ્તારમાં શ્રી અંબિકા જ્વેલર્સ નામક દુકાન આવેલી છે. ગઇકાલે સોમવારે રાત્રે દુકાન માલિક અને કર્મચારી દુકાન બંધ કરી સોના અને ચાંદીના ઘરેણા કારમાં મુકી ઘરે જવા નિકળતા હતા. તે દરમિયાન ચાર શખ્સો કાર નજીક ધસી જઇ દુકાનમાલિક અને કર્મચારી કઇ બોલે કે સમયે તે પહેલા જ બંદુક અને તલવારની અણીએએ ધાક ધમકી આપી કારમાંથી મુદ્દામાલ લૂંટી લઇ પોબારા ભણી ગયા હતા.

ઘટનાને પગલે દુકાનદાર ગભરાય ગયા હતા. બાદમાં આસપાસના વેપાર અને લોકો દોડી ગયા હતા. ઘટનાની જાણ થતા વાપી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સહિત પોલીસ કાફલો દોડી ગયો હતો. પોલીસે આરોપીને પકડવા ચોમેરે નાકાબંધી ગોઠવી દીધી હતી. મળતિ વિગત મુજબ કારમાંથી આશરે ૮૦ તોલા સોનાના દાગીના ૬ કિલો ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ થયાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવા કવાયત આદરી છે.