પાકિસ્તાનની ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર ઈન્ઝમામનું રાજીનામું

કરાંચી, પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે રાષ્ટ્રીય ટીમ પસંદગી સમિતિના ચીફ સિલેક્ટરના પદ પરથી રાજીનામું આપ્યું હતું. પાકિસ્તાનની વનડે વિશ્ર્વ કપ ૨૦૨૩માં સતત ચોથી હાર બાદ ઇન્ઝમામે પોતાનું રાજીનામું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ ઝકા અશરફને મોકલી આપ્યું હતું. મળેલા અહેવાલો અનુસાર ઇન્ઝમામને ૬ મહિનાથી પગાર મળ્યો નથી અને રાજીનામા બાદ બોર્ડે ઈન્ઝમામને ૧.૫ કરોડ પાકિસ્તાની રૂપિયા ચૂકવવા પડશે. ઈન્ઝમામનો માસિક પગાર ૨૫ લાખ પાકિસ્તાની રૂપિયા હતો.

વિશ્ર્વકપમાં પાકિસ્તાનની ટીમ બહાર ફેંકાવાના આરે છે, ત્યારે પાકિસ્તાનની ક્રિકેટ ટીમની પસંદગી કરનારી સમિતિના વડા અને પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હક પર હિતોના ટકરાવનો આરોપ મૂકવામાં આવ્યો છે. બાબર સહિતના પાકિસ્તાનના ટોચના ખેલાડીઓના માર્કેટિંગ સહિતની જવાબદારી સંભાળતા એજન્ટની કંપનીના માલિકોમાં ઈન્ઝમામ પણ સામેલ હોવાનો ખુલાસો એક મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. જેના પગલે ઈન્ઝમામ ઉલ હકે ચીફ સિલેક્ટર તરીકે રાજીનામું ધરી દીધું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ મીડિયાના રિપોર્ટને પગલે પાંચ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. આ સમિતિ વિશ્ર્વકપની ટીમ પસંદગીમાં હિતોના ટકરાવનો તો કોઈ મામલો નથી ને તે અંગે તપાસ કરશે.

દરમિયાનમાં ઈન્ઝમામે પોતાનો બચાવ કરતાં કહ્યું છે કે, લોકો કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વિના જ આક્ષેપો મૂક્તાં હોય છે. મારી પર આક્ષેપ મૂકાયો છે અને એટલે મેં રાજીનામું આપ્યું છે. મારે ખેલાડીઓના એજન્ટની કપંની સાથે કોઈ સંબંધ નથી.’ તેણે વધુમાં કહ્યું કે, ’મેં મારું રાજીનામું મોકલ્યું છે કારણ કે મને લાગે છે કે ચીફ સિલેક્ટરની ભૂમિકા જજ જેવી છે અને મેં વિચાર્યું કે જ્યારે આ તપાસ ચાલી રહી છે, ત્યારે હોદ્દા પરથી હટી જવું વધુ સારું છે. મેં પાકિસ્તાનની ટીમની પસંદગી કરી છે અને હું નથી ઈચ્છતો કે આ કંપનીમાં મારી ભૂમિકાને કારણે પ્રશ્ર્નો ઉભા થાય.’

ભારતની ભૂમિ પર યોજાઈ રહેલા વિશ્ર્વકપ ૨૦૨૩માં ફ્લોપ સાબિત થયેલી પાકિસ્તાનની ટીમના કોચ બ્રાડબ્રને નવું બહાનું કાઢતાં કહ્યું હતુ કે, અહીંની પરિસ્થિતિ અમારા માટે તદ્દન નવી છે. અમારા કોઈ ખેલાડીને ભારતમાં રમવાનો અનુભવ નથી. વળી, ઘણા સ્ટેડિયમો તો સાવ નવા જ હતા.