
ગોધરા,અખંડ ભારતના શિલ્પી અને ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ગોધરા શહેરમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે ગોધરા શહેરમાં વિશાળ રેલી યોજવામાં આવી હતી. ગોધરા શહેરના ન્યુઇરા હાઇસ્કુલના ગ્રાઉન્ડ ખાતેથી જિલ્લા કલેક્ટર આશિષ કુમાર દ્વારા રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રેલી ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ, પાંજરાપોળ અને એલ આઇસી માર્ગ પર થઈને સરદારનગર ખંડ ખાતે પહોંચી હતી. જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આંટી અને ફૂલહાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગોધરા શહેરના સર્વ ધર્મ સમાજના વ્યક્તિઓ આ રેલીમાં જોડાયા હતા. ગોધરા શહેરમાં નીકળેલી આ રેલીનું ભારત વિકાસ પરિષદ, જિલ્લા ભાજપ સંગઠન અને બ્રહ્મ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સરદાર નગર ખંડ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી, જિલ્લા પાટીદાર સમાજ, તેમજ જિલ્લા ભાજપ સંગઠન અને જિલ્લા કોંગ્રેસ સંગઠનના વિવિધ હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાઈને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.