
નવીદિલ્હી, ભારતના બેટ્સમેન રિષભ પંતના અકસ્માત બાદથી તે લાંબા સમયથી ભારતીય ટીમનો હિસ્સો રહયા નથી. રિષભ પંતને ડીસેમ્બર ૨૦૨૨ માં જીવલેણ અકસ્માત થયો હતો, અકસ્માત એટલો ભયંકર થયો હતો કે તેમનાં કારના કચ્ચરઘાણ વળી ગયા હતા. સદનસીબે રિષભનો જીવ બચી ગયો હતો, પરંતુ આ અકસ્માતમાં તેમને ઘણી ગંભીર ઇજાઓ થઈ હતી, ત્યારથી ઈજાના કારણે તેમણે ક્રિકેટથી અંતર બનાવી રાખ્યું હતું.
હવે ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. ભારતીય ટીમમાં રિષભ પંતની વાપસીને લઈને બીસીસીઆઇએ મોટું અપડેટ આપ્યું છે. રિપોર્ટ્સ અનુસાર,બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ પંતની રિકવરી અને ભારતીય ટીમમાં તેમની વાપસી અંગે અપડેટ આપી છે. બીસીસીઆઇના અધિકારીએ કહ્યું કે પંત પ્રેક્ટિસ માટે મેદાન પર પાછો ફર્યો છે. જોકે, તે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે સંપૂર્ણ સ્વસ્થ નથી. તેણે કહ્યું કે જો બધું બરાબર રહ્યું તો પંત ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાવનારી શ્રેણીમાં પુનરાગમન કરી શકે છે.
તમને જણાવી દઈએ કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ડોમેસ્ટિક સિરીઝ આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં રમાશે. બીસીસીઆઇના અધિકારીના મતે પંત આ શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ બની શકે છે. જો કે,બીસીસીઆઇ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે રિષભ અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં ટીમનો ભાગ હશે જ તેવું ચોક્કસપણે હાલ કહી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં ચાહકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે, કારણ કે તેમનો ફેવરિટ ક્રિકેટર ટૂંક સમયમાં મેદાન પર લાંબી સિક્સર મારતો જોવા મળશે તેની સંભાવનાઓ હાલ સેવાઇ રહી છે.