મુંબઈ: દીપિકા પાદુકોણે પોતે રણવીર સિંહ સાથે રિલેશનશિપમાં હતી ત્યારે બીજા ચાર લોકો સાથે પણ ડેટિંગ કરી રહી હતી તેવી કબૂલાત કરણ જોહરના ચેટ શોમાં કરતાં ભારે હોબાળો મચી ગયો છે. ઓપન રિલેશનશિપ્સ અને ડેટિંગ વિશે તેણે કરેલાં વિધાનો બદલ સોશિયલ મીડિયા પર તેને ભારે ટ્રોલ કરવામાં આવી રહી છે.
કરણ જોહરના ચેટ શોમાં રણવીરે ઔપચારિક પ્રપોઝ ન હતું કર્યું એટલે બંધાઈ રહેવાનો મતલબ ન હતો તેવાં વિધાનોથી ભારે હોબાળો, સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ.
આ ચેટ શોમાં દીપિકાએ એમ કહ્યું હતું કે તે અને રણવીર ઓપન રિલેશનશિપમાં હતાં. મતલબ કે અમે બંને રિલેશનશિપમાં હોવા છતાં પણ અમને બંનેને બીજા પાત્રો સાથે સંબંધ રાખવાની ટેકનિકલ છૂટ હતી. રણવીર સાથે રિલેશનશિપ વખતે જ પોતે બીજા ચાર લોકો સાથે પણ ડેટિંગ કરી રહી હતી. રણવીરે તેને ઔપચારિક રીતે પ્રપોઝ કર્યું ન હતું એટલે ત્યાં સુધી બંધાઈ રહેવાનો કોઈ મતલબ ન હતો. જોકે, પોતે જ્યારે પણ રણવીર સિવાયની અન્ય વ્યક્તિ સાથે હોય ત્યારે પણ તેને છેવટે તો રણવીરનો જ વિચાર આવતો હતો અને તે રણવીર પાસે જ પહોંચી જતી હતી. તે વખતે તેને ખ્યાલ આવ્યો હતો કે રણવીર જ એ પાત્ર છે જેની સાથે મારે રહેવાનું છે , જેની પાસે મારે પહોંચી જવાનું છે.
દીપિકાએ સ્પષ્ટ કહ્યું હતું કે રણવીર સાથે ડેટિંગ પહેલાં તેનાં બે વખત બ્રેક અપ થઈ ચૂક્યાં હતાં. આથી, શરુઆતમાં તે રણવીર સાથે બહુ સિરિયસ ન હતી. તે કોઈ સાથે કમીટેડ રહેવા માગતી ન હતી અને માત્ર મોજ ખાતર સંબંધ રાખી રહી હતી. રણવીરે મને જ્યારે લગ્ન માટે પ્રપોઝ કર્યું ત્યારે જ હું તેના માટે સિરિયસ થઈ હતી.
કરણ જોહરે દીપિકાને એ લોકોના નામ જણાવવા કહેતાં દીપિકાએ સાહજિક રીતે કહી દીધું હતું કે એ હવે મને યાદ પણ નથી. આ વખતે રણવીરે નારાજગી વ્યક્ત કરી હતી કે મારી સાથે સંબંધ હતો તે દરમિયાન તું જેમની સાથે સમાંતર રિલેશનશિપમાં હતી તેના હવે તું નામ પણ યાદ ન રાખે એ તો કેવું કહેવાય.
સંખ્યાબંધ લોકોએ આ કબૂલાતો માટે દીપિકાને ટ્રોલ કરી છે. લોકોએ લખ્યું હતું કે બોલીવૂડની હિરોઈનો કેવાં ઉદાહરણ સ્થાપી રહી છે તે જુઓ. કેટલાકે લખ્યું હતું કે રણવીરે ભલે આખી વાત મસ્તીમાં અને હસવામાં લીધી હોય પરંતુ તેની આંખોમાં પીડા જોઈ શકાય છે.