નવીદિલ્હી, ભારતીય સુકાની રોહિત શર્મા વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. રોહિતે ઇંગ્લેન્ડ સામેની મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના ૧૮,૦૦૦ રન પૂરા કર્યા છે.
આ પહેલા ભારતના માત્ર ચાર બેટ્સમેન જ આવી સિદ્ધિ મેળવી શક્યા છે. ઇંગ્લેન્ડ સામેની મેચમાં રોહિત ૮૭ રન બનાવીને આઉટ થયો હતો. તેણે ટીમને સારી શરુઆત અપાવી હતી. શર્મા પહેલા ભારતીય ટીમના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર, દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને પૂર્વ સુકાની રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ૪૫૭ ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી શક્યો છે.
રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામે ભારે સૂઝબૂઝ સાથેની ઇનિંગ રમતા અર્ધસદી ફટકારી છે. સાથે જ રોહિત વર્લ્ડ કપમાં સૌથી વધારે ૫૦ પ્લસ સ્કોર બનાવનારો બીજો બેટ્સમેન બની ગયો છે. તેણે ઇનિંગની દૃષ્ટિએ વિરાટ કોહલી, શાકિબ ઉલ હસન અને શ્રીલંકાના કુમાર સંગાકારાને પાછળ છોડી દીધો છે. રોહિતે ઇંગ્લેન્ડ સામે ૬૦ બોલમાં પોતાના ૫૦ રન પૂરા કર્યા હતા. રોહિતે વર્લ્ડ કપની ૨૩ ઇનિંગમાં ૧૨ વાર ૫૦ પ્લસનો સ્કોર કર્યો છે. વર્લ્ડ કપમાં સૌથી વધુ ફિફ્ટી પ્લસનો સ્કોર સચિનના નામે છે. તેણે ૪૪ ઇનિંગમાં ૨૧ વાર અર્ધસદી ફટકારી હતી. લિસ્ટમાં વિરાટ ત્રીજા સ્થાને છે. તેણે ૩૨ ઇનિંગમાં ૧૨ વાર ફિફ્ટી પ્લસનો સ્કોર કર્યો છે. શાકિબે ૩૪ ઇનિંગમાં ૧૨ વાર ફિફ્ટી પ્લસનો સ્કોર કર્યો છે. સંગાકારાએ ૩૫ ઇનિંગમાં આવી સિદ્ધિ મેળવી હતી.
રોહિત શર્માએ વર્તમાન વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર ફટકારી છે. ઇંગ્લેન્ડ સામેની ૮૭ રનની ઇનિંગમાં રોહિતે ૩ સિક્સર ફટકારીને સૌથી વધારે સિક્સ ફટકારનાર બેટ્સમેન તરીકે પહેલું સ્થાન મેળવી લીધું છે. વર્તમાન વર્લ્ડ કપમાં રોહિતની કુલ ૨૦ સિક્સ છે. રોહિતે ડેવિડ વોર્નરને પાછળ રાખ્યો છે. વોર્નરના નામે ૧૯ સિક્સર છે. વોર્નરે ૬ મેચમાં ૧૯ સિક્સર ફટકારી છે.
રોહિત શર્મા પહેલા સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે ૩૪,૩૫૭ રન બનાવ્યા છે. તે સિવાય કોહલીના ૨૬,૧૨૧ રન છે. ત્રીજા સ્થાને દ્રવિડ છે તેણે ૨૪,૦૬૪ જ્યારે ગાંગુલીએ ૧૮,૪૩૩ રન બનાવ્યા હતા.
વર્લ્ડ કપમાં વિરાટ કોહલી પહેલીવાર શૂન્ય રને આઉટ થતા તેના પ્રશંસકો પણ નિરાશ થયા હતા. વિરાટે આ શરમજનક રેકોર્ડમાં ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. આજના શૂન્ય રન સાથે વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ ૩૪ વાર શૂન્ય રને આઉટ થયો છે. ભારતીય બેટ્સમેનોની આ યાદીમાં વીરેન્દ્ર સેહવાગ સામેલ છે જે ૪૭૧ ઇનિંગમાં ૩૧ વાર ઝીરો પર આઉટ થયો છે. વિરાટ વનડે વર્લ્ડ કપમાં હજુ સુધીમાં ૩૨ ઇનિંગ રમ્યો છે. પણ તે પહેલીવાર શૂન્ય પર આઉટ થયો છે. ૩૨ ઇનિંગમાં તેણે ૩ સદી અને ૯ અર્ધસદી સાથે ૧૩૮૪ રન બનાવ્યા છે.