કાલોલ પાલિકા વિસ્તારના રસ્તાઓ ચોમાસામાં ખખડધજ બનતા પાલિકા પ્રમુખ દ્વારા રસ્તાના કામો માટે કોન્ટ્રાકટરને નોટીસ ફટકારી

કાલોલ,
કાલોલ પાલિકા વિસ્તારમાં બે વર્ષમાં બનેલા રસ્તાના કામો માટે નગરજનોમાં હલ્કી ગુણવતા વગરની કામગીરી થયેલ હોવાની બુમો ઉઠી રહી હતી. ત્યારે પાલિકા પ્રમુખ દ્વારા રસ્તાના કામો કર્યા હોય તેવા કોન્ટ્રાકટરને નોટીસ આપવામાં આવી છે.

કાલોલ નગર પાલિકા વિસ્તારમાં ૨૦૧૯ થી ૨૦૨૧ સુધી બનેલા રસ્તાના કામો જેમાં નવા બનેલ રસ્તાઓમાં મહેશ નગર નાળા થી પટેલ પાર્ટી પ્લોટ, વલ્લભ ગેટ થી ભાથીજી મંદિર રોડ, ભાથીજી મંદિર નવનીત કાછીયાના મકાન સુધી અને ત્યાંથી મહાલક્ષ્મી મંદિર તેમજ ગોર્વધનજી હવેલી થી સ્મશાન સુધીના રસ્તાનો નવા બનેલ છે. જ્યારે ૨૬ જેટલા રસ્તાના કામો રિસટફેસિંગ કરવામાં આવ્યા હતા. તેવા રસ્તાઓ ચોમાસાના વરસાદમાં ધોવાઈ જતાં કોન્ટ્રાકટરો શરતો મુજબ કામ કરતા ન હોવાની બુમો ઉઠવા પામી હતી. પાલિકા વિસ્તારની હલ્કી અને ગુણવત્તાના રસ્તાઓને લઈ સોશ્યલ મીડીયામાં પાલિકાની કાર્ય પદ્ધતિ સામે રોષ ઠલવાઈ રહ્યા હતો. ત્યારે પાલિકા તંત્ર હવે એકશનમાં આવ્યું છે. અને મુખ્ય રસ્તાઓ બનાવવામાં જવાબદાર એવા ૧૩ સીસી રોડના કોન્ટ્રાકટરસ અંબર ક્ધસ્ટ્રકશન (ડીસા), સજારા બિલ્ડર્સ (કપડવંજ), આર.બી.ઠાકોર ક્ધસ્ટ્રકશન (વડોદરા), રાજેશ્રી ક્ધસ્ટ્રકશન સહિતના કોન્ટ્રાકટરોને નોટીસ પાઠવીને ટેન્ડરની જોગવાઈ મુજબ રસ્તાની ગુણવત્તા બાબતે ખુલાસો કરવા અને જરૂરી કામ યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે શોકોઝ નોટીસ ફટાકારવામાં આવી છે. કાલોલ પાલિકા પ્રમુખ સેફાલીબેન ઉપાધ્યાય એ નગરજનોની લાગણી યોગ્ય ગણાવી છે અને પાલિકામાં નગરના વિકાસ માટે ફળવાયેલા નાણાંના વ્યય ન થાય તેવા નકકર કામ કરવા માટે મકકમતા દર્શાવી છે. સાથે પાલિકા વિસ્તારમાં કામ કરતા કોન્ટ્રાકટરોને ટેન્ડર મુજબ કામ કરવાનું સુચન પણ કરવામાં આવ્યું છે.