ગોધરા તાલુકાના બેટીયા જંગલમાં હત્યા કેસ : માત્ર ૫ હજાર રૂ.ની લેતી-દેતીમાં મિત્ર એ છરાના ઘા મારી મિત્રની કરી હત્યા- આરોપીને પોલીસે ઝડપી પાડયો.

ગોધરા,
ગોધરા તાલુકાના બેઢીયા જંગલ માંથી ગોધરા સીમલા રોડ ઉપર ઓઈલ અને સ્પેર પાર્ટસનો ધંધો કરતા વેપારીનો હત્યા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. હત્યારાને ઝડપી પાડવા તાલુકા પોલીસ અને એલ.સી.બી. પોલીસ કરી રહી હતી. તપાસ દરમિયાન ૫,૦૦૦/-રૂપીયાની લેતીદેતીમાં યુવકની હત્યા કરાયાનું ખુલવા પામ્યું હતું. પોલીસે હત્યારાને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો.

ગોધરા શહેર સીમલા રોડ ઉપર ઓઈલ અને સ્પેર પાર્ટસનો વેપાર કરતાં મહમંદ હનીફ દસ્તગીરી બદામ જે શુક્રવારની સાંજ થી ગુમ થયેલ હોય જેની ભાળ મેળવવા માટે પરિવાર દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. તેમ છતાં નહિ મળી આવતાં પરિવારજનો દ્વારા પોલીસ મથકે ફરિયાદ કરી સાથે સોશ્યલ મીડીયામાં ફોટો વાયરલ કર્યો હતો. તે વેપારી યુવકનો મૃતદેહ અમદાવાદ હાઈવે રોડ ર્ડાકટરના મુવાડા પાસે બેટીયા જંગલમાં તિક્ષ્ણ હથિયારના ધા મારી હત્યા કરેલ હાલતમાં મળી આવ્યો હતો. આ બાબતે ગોધરા તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી. તેમાં એલ.સી.બી. પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસના ટેકનીકલ સર્વેલન્સના આધારે વેપારી યુવકની હત્યામાં સલમાન મહંમદ હનીફ ચુંચલા રહે. ડાકોર રોડ, સિંગ્નલ ફળીયા સંડોવાયેલ હોય તેવી માહિતીના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની પુછપરછ હાથ ધરતાં ૫,૦૦૦/-રૂપીયાની લેતીદેતીમાં મહંમદ હનિફ દસ્તગીરી બદામને છેતરીને બેટીયા જંગલમાં લઈ ગયો હતો. ત્યાં છરાના ઉપરા છાપરી ઘા મારીને હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.

ગોધરા સીમલા રોડ ઉપર ઓઈલ અને સ્પેર પાર્ટસનો ધંધો કરતાં મહંમદ હનીફ દસ્તગીરી બદામ જે આરોપી સલમાન મહંમદ હનીફ ચુંચલા પાસે ૫,૦૦૦/-રૂપીયા માંગતો હોય જેની ઉધરાણી કરતાં મરણજનાર મિત્રને છેતરીને બેટીયા જંગલમાં લઈ ગયો હતો. અને છરાના ધા મારીને નિર્મમ હત્યાને અંજામ આપ્યો હોવાની વિગતો સામે આવતાં લોકો ફીટકાર વરસાવી રહ્યા છે.