ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ હાલમાં ભારતમાં રમાઈ રહેલા વન ડે વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં ભાગ લઈ રહી છે. ટીમે ધીમે-ધીમે તેમની લય પાછી મેળવી છે. હાલમાં ઓસ્ટ્રેલિયા (Australia) માં પણ સ્થાનિક સિઝન ચાલી રહી છે, જેમાં શેફિલ્ડ શિલ્ડ ટૂર્નામેન્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયાનો માઈકલ નાસર (Michael Neser) ટૂર્નામેન્ટ અધવચ્ચે જ છોડી ઘરે ચાલ્યો ગયો હતો.
આ ટુર્નામેન્ટમાં તે ક્વીન્સલેન્ડ તરફથી રમી રહ્યો હતો. તસ્માનિયા સામે રમાઈ રહેલી મેચમાંથી નાસર અચાનક જ ઘરે પરત ફર્યો હતો. બંને ટીમો વચ્ચે હોબાર્ટમાં મેચ રમાઈ રહી છે. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ક્વીન્સલેન્ડે ત્રણ વિકેટના નુકસાને 293 રન બનાવ્યા હતા. નાસર 51 રન બનાવી અણનમ રહ્યો હતો. તેની નજર આ સિઝનમાં બીજી સદી ફટકારવા પર હતી. પરંતુ અચાનક તે ઘરે પરત ફર્યો હતો.
બીજા દિવસે શુક્રવારની રમત શરૂ થાય તે પહેલાં, તેણે બ્રિસ્બેનમાં તેના ઘરે પાછા ફરવાની વાત કરી અને તે ચાલ્યો ગયો. TheWest વેબસાઈટના અહેવાલ મુજબ નાસર અંગત કારણોસર ઘરે પરત ફર્યો છે. તેના ઘરે શું થયું તે જાણી શકાયું નથી. સ્વદેશ પરત ફર્યા બાદ તેને રિટાયર્ડ ગણવામાં આવ્યો છે.
ક્વીન્સલેન્ડ ક્રિકેટે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે નાસેર મેચમાંથી ખસી ગયો હતો અને અંગત કારણોસર બ્રિસ્બેનમાં તેના ઘરે પાછો ફર્યો હતો. જો કે હવે તેને મેચમાં રિપ્લેસ કરી શકાશે નહીં. ક્વીન્સલેન્ડે કહ્યું છે કે તે આગામી મેચોમાં નાસરની હાજરી વિશે જલ્દી માહિતી આપશે.
આ ઓલરાઉન્ડર ઓસ્ટ્રેલિયા માટે અત્યાર સુધીમાં બે ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. તેણે શીલ્ડ ટૂર્નામેન્ટની વર્તમાન સિઝનમાં શાનદાર શરૂઆત કરી હતી. આ મેચ પહેલા તેણે 18, 140 અને 90 રનની ઇનિંગ રમી હતી. આ ખેલાડીએ ઓસ્ટ્રેલિયા માટે બે ટેસ્ટ મેચમાં સાત વિકેટ લીધી છે અને ચાર વનડેમાં ત્રણ વિકેટ પણ લીધી છે. તેણે ટેસ્ટમાં 56 રન અને વનડેમાં છ રન બનાવ્યા છે.