ઈડીએ પશ્ચિમ બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલ્લિકની ધરપકડ કરી

કોલકતા, પશ્ચિમ બંગાળના પૂર્વ ખાદ્ય મંત્રી અને હાલમાં વન મંત્રી જ્યોતિપ્રિયા મલ્લિકની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમે શુક્રવારે સવારે ધરપકડ કરી હતી. અહેવાલો અનુસાર, રાશન વિતરણ કૌભાંડ કેસમાં ઈડીની ટીમ બંગાળના મંત્રી વિરુદ્ધ છેલ્લા ૨૧ કલાકથી સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. પૂછપરછ દરમિયાન જ્યારે તેને સંતોષકારક જવાબ ન મળ્યો ત્યારે ઈડીની ટીમે તેની ધરપકડ કરી અને સીજીઓ કોમ્પ્લેક્સમાં આવેલી તેમની ઓફિસમાં લઈ ગઈ હતી. જ્યોતિપ્રિયા મલ્લિકે કહ્યું કે, “હું એક ગંભીર ષડયંત્રનો શિકાર છું”

માહિતી અનુસાર,એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ સર્ચ માટે મંત્રીના સોલ્ટ લેક હાઉસ પર પહોંચી હતી. ગુરુવારે રાત્રે લગભગ ૯ વાગ્યાની આસપાસ મંત્રીના ઘરની બહાર મોટી સંખ્યામાં સેન્ટ્રલ ફોર્સના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. તેના ઘરની બહાર પોલીસ બેરિકેડ લગાવવામાં આવી હતી.

રાશન ભ્રષ્ટાચાર મામલામાં ED એ ગુરુવારે સવારે સાડા છ વાગ્યે સોલ્ટ લેકમાં જ્યોતિપ્રિયા મલિકના ઘરની તપાસ શરૂ કરી હતી. કેન્દ્રીય એજન્સીએ સોલ્ટ લેકમાં જ્યોતિપ્રિયાના ઘર ઉપરાંત ઉત્તર કોલકાતામાં તેના પૈતૃક ઘરની પણ સર્ચ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, જ્યોતિપ્રિયાનું નામ હાલમાં જ સામે આવ્યું હતું જ્યારે ઈડીએ રાશન ભ્રષ્ટાચારના આરોપમાં ઉદ્યોગપતિ બકીબુર રહેમાનના ઘરે દરોડા પાડ્યા હતા. આ પછી ED ની ટીમ ગુરુવારે સવારે લગભગ ૭ વાગે જ્યોતિપ્રિયાના ઘરે પહોંચી હતી. તે જ સમયે તેના સહાયક અમિત ડેના બે લેટની પણ તલાશી લેવામાં આવી હતી.