બાઈક ચાલક પાછળ આખલો દોડતા શ્વાસ અદ્ધર: લુણાવાડા શહેરમા બાઈક ચાલકની પાછળ આખલો દોડતા બાઈક સ્પીડમાં દોડાવી માંડ માંડ જીવ બચાવ્યો

લુણાવાડા,રાજ્યમાં રખડતાં ઢોરોનો ત્રાસની અનેક ઘટનાઓ સામે આવે છે. રખડતાં ઢોરોની અડફેટે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે, તો અનેક લોકોને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ પણ થવું પડ્યું છે. ત્યારે લુણાવાડા શહેરમાં પણ રખડતા ઢોરના ત્રાસનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આખલાઓ બાઈક ચાલકની પાછળ પડતા બાઈક ચાલકનો શ્ર્વાસ અદ્ધર થઇ ગયો હતો. લુણાવાડાના ડુંગરા ભીત પંચેશ્ર્વર મહાદેવથી ઝમઝર માતાજી મંદિર સુધી બાઈક ચાલકની પાછળ આખલા દોડ્યો હતો. બાઈક ચાલકે વાહન સ્પીડમાં દોડાવી માંડ માંડ જીવ બચાવ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, તો રખડતા ઢોર અંગે હાઇકોર્ટની ઝાટકણી બાદ સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડ લાઈનનું પાલન કરવામાં લુણાવાડા નગર પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. ત્યારે તંત્ર દ્વારા આ સમસ્યાના નિવારણ માટે તાકીદે કાર્યવાહી થાઈ તેવી માંગ ઉઠી રહી છે.