આગામી ચૂંટણીમાં મહિલા મતદારો નિર્ણાયક ભૂમિકા: ૭.૮૮ કરોડ મહિલાને રીઝવવાના પ્રયાસો

નવીદિલ્હી, દેશમાં યોજાયેલી ભૂતકાળની ઘણી ચૂંટણીઓમાં મહિલા મતદારોએ નિર્ણાયક ભૂમિકા ભજવી છે. તેને જોતા રાજસ્થાન, મધ્યપ્રદેશ , છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ૭.૮૮ કરોડથી વધુ મહિલા મતદારોને રીઝવવા પર ખાસ જોર લગાવી રહી છે. ભાજપ કેન્દ્ર સરકારની મહિલા કેન્દ્રીત યોજનાઓનો પ્રચાર કરીને અને મહિલા અનામતનો કાયદો બનાવીને મહિલા મતદારોને આકર્ષવાની રણનીતિ અપ્નાવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે નારી શક્તિ વંદન બિલ પર અવાજ ઉઠાવી રહ્યા છે. તેઓ દરેક રેલીમાં આ મુદ્દાને જોરશોરથી ઉઠાવી રહ્યા છે. તે જ સમયે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને પણ આગળ કરી રહી છે અને રાજ્યોમાં આવી જાહેરાતો કરી રહી છે જેથી મહિલા મતદારોને આકર્ષી શકાય. કોંગ્રેસને આશા છે કે જે રીતે ગત વર્ષે હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીએ સારો પ્રચાર કર્યો હતો અને કોંગ્રેસની સરકાર બની હતી, તેવી જ રીતે આ વખતે પણ પ્રિયંકા આગળ પ્રચાર કરવામાં આવે તો ફાયદો થશે.

ભાજપ પોતાના એજન્ડામાં મહિલા મતદારોને પ્રાથમિક્તા પર રાખી રહી છે. મધ્યપ્રદેશ માં, સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ચૂંટણી પહેલા લાડલી યોજના શરૂ કરીને ૧.૩૧ કરોડ મહિલાઓને જોડવાનું પગલું ભર્યું. ભાજપ તમામ રાજ્યોની ચૂંટણી રેલીઓમાં ઉજ્જવલા, શૌચાલય, મુદ્રા, જન ધન યોજનાઓનો પ્રચાર કરી રહી છે.

પ્રિયંકા ગાંધીએ હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં મહિલાઓ અને કર્મચારીઓ પર ફોક્સ કર્યું હતું. અહીં કોંગ્રેસ સરકારની રચનામાં મહિલાઓની ભૂમિકાએ પાર્ટી માટે એક નવો રસ્તો ખોલ્યો. રાજસ્થાનમાં મહિલાઓને ૫૦૦ રૂપિયામાં ગેસ સિલિન્ડર અને ૧૦,૦૦૦ રૂપિયા વાર્ષિક માનદ વેતન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. અન્ય રાજ્યોમાં પણ આવી જ બાબતો કરવામાં આવી હતી.