સાબરકાંઠા: ખેડબ્રહ્માથી એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે કે જાણીને હચમચી જશો. અહીં ખેરોજમાં આવેલી નચિકેતા વિદ્યા સંસ્થામાં 13 જેટલા બાળકોને ડામ આપવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર નૈમેશ દવેને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી.
લેખિત અરજી મુજબ અંદાજીત 60 જેટલા બાળકો પર આ રીતે અત્યાચાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે વાલીઓની લેખિત રજૂઆત છતાં કાર્યવાહી કરવામાં આવી નહીં. નિધિ ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ ચાલતી નચિકેતા વિદ્યા સંસ્થામાં આ રીતે બાળકોને ડામ આપવાની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે અને જવાબદાર લોકો સામે કાર્યવાહીની વાલીઓ દ્વારા માંગણી થઈ રહી છે.
અત્રે જણાવવાનું કે નચિકેતા વિદ્યા સંસ્થાના સંચાલકોનું એકબાજુ એવું કહેવું છે કે બાળકો મસ્તી કરતા હોવાથી બાળકોને ડામ આપવામાં આવ્યો હતો. વાલીઓને આ જાણ થતા તેઓ ત્યાં પહોંચ્યા હતા અને શાળાના પ્રિન્સિપાલને ફરિયાદ કરવામાં આવી હતી.
આ રીતે માસૂમ ભૂલકાઓને આવી તાલિબાની સજા આપવી એ શું યોગ્ય કહેવાય? એક કે બે નહીં પરંતુ 13 જેટલા બાળકોને આવી રીતે ડામ આપવાનો મામલો સામે આવતા ચકચાર મચી ગઈ છે.