ચીનની સોડમાં ભરાયેલા માલદીવની ભારત સાથેના કરારોની સમીક્ષા કરવાની જાહેરાત

  • ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે પાડોશી દેશ માલદીવે ભારતનો તણાવ વધારી દીધો છે.

નવીદિલ્હી, ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે પાડોશી દેશ માલદીવે ભારતનો તણાવ વધારી દીધો છે. માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ફરી એકવાર ભારત વિરુદ્ધ નિવેદન આપ્યું છે. ભારતીય સૈનિકોને પોતાનો દેશ છોડવા માટે કહ્યા બાદ મુઈઝુએ બંને દેશો વચ્ચેના સંબંધો પર વિચાર કરવાનું પણ કહ્યું હતું. મોઇજ્જુએ કહ્યું છે કે તેઓ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત સાથે થયેલા કરારોની સમીક્ષા કરશે.

માલદીવ સાથે ભારતના સંબંધો લાંબા સમયથી મજબૂત છે. પરંતુ નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુનું વલણ ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં ખટાશ લાવી શકે છે. ચાઈનીઝ ભાષા બોલતા મોહમ્મદ મુઈઝુ ચૂંટણી પ્રચારથી જ ભારત વિરુદ્ધ અને ચીનના પક્ષમાં વાત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં માલદીવનું ભારત વિરુદ્ધનું આ વલણ બંને દેશોના સંબંધોમાં ખટાશ લાવી શકે છે.

મોહમ્મદ મુઇઝ્ઝુએ તાજેતરમાં રાષ્ટ્રપતિ પદ જીત્યું છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન મુઈઝુએ કહ્યું- હું ભારતીય રાજદૂતને મળ્યો અને તેમને સ્પષ્ટ કહ્યું કે આપણા દેશમાં હાજર ભારતીય સૈનિકોને ત્યાંથી જવું પડશે. અમે માલદીવની ધરતી પર કોઈ વિદેશી સૈનિકો ઈચ્છતા નથી. મેં માલદીવના લોકોને આ વચન આપ્યું હતું અને હું તેને પૂરું કરીશ. આ ઉપરાંત ભારત સાથે અત્યાર સુધી થયેલા કરારોની પણ સમીક્ષા કરવામાં આવશે.

૨૦૧૮માં માલદીવના રાષ્ટ્રપતિ બનેલા ઈબ્રાહિમ સાલેહે ભારત સાથે મજબૂત સંબંધો બનાવ્યા હતા. તેમણે ચીન સાથે નહીં પરંતુ ભારત સાથેના સંબંધોને મહત્વ આપ્યું. જો કે, મુઈઝુની નીતિ શરૂઆતથી જ ભારત વિરોધી રહી છે અને તેણે પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ સાલેહની ઈન્ડિયા ફર્સ્ટ પોલિસીની ટીકા કરતા કહ્યું કે તે માલદીવની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે ખતરનાક છે.

હિંદ મહાસાગરમાં તેના સ્થાનને કારણે માલદીવનું મહત્વ નોંધપાત્ર રીતે વધે છે. માત્ર ભારત જ નહીં પરંતુ ચીન પણ અહીંથી હિંદ મહાસાગરના મોટા ભાગ પર નજર રાખી શકે છે. આ જ કારણ છે કે ભારત અને ચીન બંને માટે માલદીવ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતે માલદીવમાં પણ ઘણું રોકાણ કર્યું છે. પરંતુ મુઈઝુની જીત બાદ માલદીવનું ભારત પ્રત્યેનું વલણ ઘણું ખરાબ રહ્યું છે.