પંચમહાલના દિગ્ગજ નેતા પ્રભાતસિંહ ચૌહાણનું ૮૩ વર્ષની વયે નિધન

દિગ્ગજ નેતા અને માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું દુખદ નિધન થયુ છે.તેઓ થોડા સમયથી બીમાર હતા અને માંદગીના કારણે તેમનું નિધન થઈ ગયું હોવાની પ્રાથમિક માહિતી છે. ૮૩ વર્ષના પ્રભાતસિંહના નિધન બાદ પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાયો છે.

પ્રભાતસિંહ ચૌહાણનો જન્મ ગોધરામાં થયો હતો. તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત મેહલોલ ગામના સરપંચ તરીકે કરી હતી. બાદમાં તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતમાં વિવિધ પદો પર ચૂંટાયા હતા.પ્રભાતસિંહે પ્રથમ બે વિધાનસભા ચૂંટણી ૧૯૮૦ અને ૧૯૮૫માં કાલોલ બેઠક પરથી કૉંગ્રેસની ટિકિટ પરથી લડી હતી અને બંને વખત તેઓ ચૂંટાયા હતા.

૧૯૯૦માં કૉંગ્રેસે ટિકિટ ન આપતાં તેઓ ભાજપમાં જોડાયા અને ભાજપ તરફથી ૧૯૯૫, ૧૯૯૮ અને ૨૦૦૨માં ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. ભાજપે તેમને ૨૦૦૭માં પણ ટિકિટ આપી હતી. જોકે, તેઓ કૉંગ્રેસના સી. કે. રાઉલજી સામે હારી ગયા હતા. તે જ સમયે તેમના પુત્ર પ્રવીણસિંહ કાલોલથી અપક્ષના ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા અને હાર્યા હતા.

ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રભાતસિંહ ગુજરાત સરકારમાં પર્યાવરણ, આદિવાસી વિકાસ અને યાત્રાધામ વિકાસ મંત્રાલય સંભાળી ચૂક્યા છે. બાદમાં તેઓ પંચમહાલ લોક્સભા બેઠક પરથી ૨૦૦૯ અને ૨૦૧૪માં ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. જોકે, ૨૦૧૯માં ભાજપે લોક્સભાની ટિકિટ ન આપતાં તેઓ નારાજ થયા હતા.

પ્રભાતસિંહના અવસાનના સમાચાર સાંભળતા જ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોએ ઉડા શોકની લાગણી વ્યકત કરી છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના નિધન પર શોક વ્યકત કર્યો હતાં.-