વોશિગ્ટન. અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. અમેરિકા ફરી એકવાર અંધાધૂંધ ગોળીબારથી હચમચી ગયું છે. મેઈનના લેવિસ્ટન શહેરમાં બનેલી આ ફાયરિંગની ઘટનામાં ૨૨ લોકોના મોત થયા છે, જ્યારે ૫૦-૬૦ લોકો ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ મળી રહ્યા છે.અમેરિકામાં ફાયરિંગની આ પહેલી ઘટના નથી. આવી ઘટનાઓ અહીં રોજબરોજ બનતી રહે છે.
મે ૨૦૨૨ પછી અમેરિકામાં ફાયરિંગની આ સૌથી મોટી ઘટના માનવામાં આવી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. ગયા વર્ષે મે મહિનામાં, ટેક્સાસની એક પ્રાથમિક શાળામાં ગોળીબારની ઘટનામાં ૨૧ લોકો માર્યા ગયા હતા. જેમાં ૧૯ બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે લેવિસ્ટનના લોકો આ ઘટનાને હત્યાકાંડ ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ માત્ર ગોળીબાર નથી, નરસંહાર છે.
મેઈન સ્ટેટ પોલીસે ટ્વિટ કર્યું કે, લેવિસ્ટનમાં એક એક્ટિવ શૂટર છે. અમે લોકોને વિવિધ સ્થળોએ આશ્રય લેવા કહ્યું છે. કૃપા કરીને પોતાના દરવાજા બંધ રાખીને તમારા ઘરની અંદર રહો. અનેક જગ્યાએ તપાસ ચાલી રહી છે. જો તમને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા વ્યક્તિ દેખાય તો કૃપા કરીને ૯૧૧ પર કૉલ કરો.
અમેરિકામાં ગન કંટ્રોલ કાયદો લાગુ થયા બાદ પણ રોજેરોજ ફાયરિંગની ઘટનાઓ બનતી રહે છે. ગોળીબાર ગમે ત્યાં અને ગમે ત્યારે થયા કરે છે. માર્ગ પર ચાલતા કોઈને મારી નાખવામાં આવે છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશમાં આવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. પરંતુ સવાલ એ છે કે બાઈડેન સરકાર શા માટે આને નિયંત્રિત કરવામાં સક્ષમ નથી? ગયા વર્ષે અમેરિકામાં ગોળીબારની ૬૦૦થી વધુ ઘટનાઓ બની હતી.