યુનો : અહીં મળી રહેલી સલામતી સમિતિની બેઠકમાં અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કેને કહ્યું હતું કે તે ઈરાન સાથે યુદ્ધ ઈચ્છતું નથી, પરંતુ ઈરાન કે ઈરાનના પ્યાદાં સમાન સંપૂર્ણ શસ્ત્ર-સજ્જ હીઝબુલ્લા કે ઈરાન સમર્થિત હમાસ દ્વારા એક પણ અમેરિકન ઉપર હુમલો કરાશે, તો અમેરિકા દ્વારા નિર્ણયાત્મક પગલાં લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ-હમાસ-યુદ્ધ હવે મર્યાદિત ન રહેતા સરહદો પાર પણ ફેલાઈ રહ્યું છે ત્યારે લેબેનોનની દક્ષિણે ઈરાન સમર્થિત હિઝબુલ્લા, ઈઝરાયલ પર હુમલા કરી રહ્યાં છે.
તે સર્વવિદિત છે, ઈઝરાયલને અમેરિકા સમર્થન આપી જ રહ્યું છે તેથી હમાસ અને હિઝબુલ્લા અમેરિકા પર ખરેખરા ગિન્નાયાં છે.
ઈઝરાયલને રક્ષવા અને પુષ્ટિ આપવા અમેરિકાએ યુદ્ધ જહાજો અને ફાઇટર વિમાનો પૂર્વ ભૂમધ્ય સાગરના પૂર્વ તટે (ઈઝરાયલ પાસે) મોકલી આપ્યાં છે તેમાં બે તો વિમાનવાહક જહાજ છે. આ સાથે બ્લિન્કેને દરેક રાષ્ટ્રો તથા અન્યોને સંદેશો પાઠવતાં કહ્યું છે કે, તે પૈકી કોઈ પણ રાષ્ટ્ર કે અન્ય બિન સરકાર સંસ્થાઓ, (ઉગ્રપંથી જૂથો) કે બળતામાં ઈંધણ નાખે નહીં.
દરમિયાન યુનોના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે મંગળવારે બંને પક્ષોને જણાવ્યું હતું કે તે યુદ્ધમાં નાગરિકોની તો રક્ષા કરવામાં આવે તે અનિવાર્ય છે. સાથે ગાઝાપટ્ટીમાં ‘અંતરરાષ્ટ્રીય માનવીય કાનૂનો’ના થઈ રહેલા ભંગ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.