ગાંધીનગર, ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)ના કર્મચારીઓ પડતર પ્રશ્ર્નોનો ઉકેલ ન આવતા આંદોલન કરવા મેદાનમાં ઉતર્યા છે. હાલમાં વડોદરા, સુરત અને જામનગરના એસટી નિગમના કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
એસટી નિગમના કર્મચારીઓએ સરકાર દ્વારા વધારવામાં આવેલા મોંઘવારી ભથ્થાંથી લાગુ કરાયેલા પગારપંચના લાભો ન મળતા વિરોધ કર્યો છે. કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા છે તેમજ સરકાર જો તેમની માંગ પૂરી નહીં કરે તો એક સાથે બધા કર્મચારીઓ રજા પર ઉતરી જશે તેવી ચેતવણી પણ આપી હતી.
વડોદરાના એસટી વિભાગના કર્મચારીઓ પણ તેમની પડતર માંગણીઓને લીને લડી લેવાના મૂડમાં હતા. વિભાગના સીટી કર્મચારે પડતર માંગણીઓને લઈને ભારો વિરોધ નોંધાવ્યો હતો અને રસ્તા પર ઉતર્યા હતા. રેસકોર્સમાં વિભાગીય કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વડોદરા ડિવિઝનના ૧,૫૦૦ જેટલા કર્મચારીઓ આંદોલનમાં જોડાયા હતા.
મહીસાગરના લુણાવાડામાં પણ એસટી નિગમના કર્મચારીઓએ પણ તેમની પડતર માંગોને લઈને રેલી કાઢી હતી. તેઓએ માંગો પૂરી કરો તેવી પટ્ટી ધારણ કરીને સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેની સાથે જણાવ્યું હતું કે પડતર માંગો ન સ્વીકારાય ત્યાં સુધી તેઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ પર જશે.
જામનગરના એસટી નિગમના કર્મચારીઓએ પણ પોતાના પડતર પ્રશ્ર્નોને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. કર્મચારીઓએ કાલાવાડ નાકા બહાર આવેલી વિભાગીય કચેરી બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સિવાય જામનગર ડિવિઝનના હજારથી પણ વધુ કર્મચારીઓ એક સપ્તાહ સુધી કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવશે તેવો નિર્ધાર પણ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમા કુલ ૧૯ જેટલી પડતર માંગોને લીને કાળી પટ્ટી બાંધી સૂત્રોચ્ચાર કર્યા હતા. વધુમાં ત્રીજી તારીખ બાદ સામૂહિક હડતાળની પણ ચેતવણી આપી છે. આ સમયગાળા દરમિયાન પણ જો નિર્ણય લેવામાં નહીં આવો તે બીજી તારીખથી એસટીના પૈડા થોભાવી દેવાની પણ ચીમકી આપી હતી.