અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા મોટા ઉપાડે ફરી શરુ કરવામાં આવેલી બાલાહનુમાન એક્સપ્રેસની હાલ એક માત્ર દોડાવવામાં આવતી બસનો દૈનિક માત્ર રુપિયા ૯૦૦ વકરો મળી રહયો છે.ત્રણ દરવાજાથી પાનકોરનાકા સુધી એસ્ટેટ વિભાગે સ્થાનિક વેપારીઓના વિરોધ છતાં ઓનસ્ટ્રીટ વાહન પાર્કીંગનો કોન્ટ્રાકટ આપી દેતા એ.એમ.ટી.એસ.દ્વારા શરુ કરવામાં આવેલી બસ આ રસ્તેથી માંડ પસાર થઈ શકે છે.રોજ અંદાજે ૧૮૦ પેસેન્જર મુસાફરી કરે છે.
એ.એમ.ટી.એસ.ના તત્કાલિન ચેરમેન ચંદ્રપ્રકાશ દવેના કાર્યકાળમાં શહેરના ભદ્રપ્લાઝા વિસ્તારમાંથી એ.એમ.ટી.એસ.દ્વારા બાલાહનુમાન એક્સપ્રેસ શરુ કરવામા આવી હતી.જેમાં મુસાફરોને વિનામૂલ્યે મુસાફરી કરવા મળતી હતી. માર્ચ-૨૦૨૦માં કોરોના મહામારીના સમયમાં આ બસ બંધ કરી દેવામાં આવી હતી.વર્તમાન ટર્મના શાસકોએ ફરી એકવખત બાલાહનુમાન એક્સપ્રેસ શરુ કરી છે.આ વખતે ટિકીટનો દર પાંચ રુપિયા રાખવામાં આવ્યો છે.હાલમાં તંત્ર તરફથી માત્ર એક જ બસ આ રુટ ઉપર મુકવામાં આવી છે.એક બસને રુટ પુરો કરતા ૪૫ મિનીટનો સમય થાય છે.ભદ્ર પ્લાઝા વિસ્તારમાં હાલ પાથરણાં સહિતના દબાણો છે.આ જ પરિસ્થિતિ ત્રણ દરવાજાથી લઈ પાનકોરનાકા અને છેક ફુવારા-ગાંધીરોડ સુધી જોવા મળે છે.એ.એમ.ટી.એસ.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,આવનારા સમયમાં વધુ બે બસ આ રુટ ઉપર મુકવામાં આવશે.
ભદ્રકાળી, ગાંધીરોડ અને રીલીફરોડ ઉપર ટોકનભાડાથી મીનીબસ ચાલુ કરવા નિર્ણય લેવામાં આવ્યા બાદ ૬ ઓકટોબરે શોર્ટ ટેન્ડરથી ભાવ મંગાવવામાં આવ્યા હતા.બે પાર્ટીએ ભાવ ભરતા પ્રથમ લોએસ્ટ એવા લક્ષ્મી એન્ટર પ્રાઈઝને પ્રતિ કિલોમીટર રુપિયા ૪૮.૪૮ ઉપરાંત જી.એસ.ટી ચુકવવા સાથે વર્કઓર્ડર આપવા ટ્રાન્સપોર્ટ કમિટિએ મંજુરી આપી છે.