ગારિયાધાર : ગારિયાધાર તાલુકાના ભમ્મરિયા ગામે ખેતમજૂર આધેડને મજૂરીના પૈસા મામલે તેના જ જ્ઞાતિબંધુ શખ્સે લાકડીના આડેધડ ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધાની ઘટનાને ૨૭ કલાકથી પણ વધુ સમય થયો છતાં હત્યારો શખ્સ હજુ પોલીસ પકડથી દૂર છે.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગારિયાધારના ભમ્મરિયા ગામની સીમમાં નાગજીભાઈ ઓધાભાઈ નારોલાના ખેતરમાં પાંચેક માસથી રહી ખેતમજૂરી કામ કરતા પુનાભાઈ છગનભાઈ ડામોર (ઉ.વ.૪૮) અને તેમના પત્ની લક્ષ્મીબેન પુનાભાઈ ડામોર (ઉ.વ.૪૫) ગઈકાલે મંગળવારે બપોરના સમયે ઝૂંપડી હતા. ત્યારે ભટા ઉર્ફે ભટ્ટો રતનભાઈ ડામોર (રહે, મૂળ મંગળપુરા, તા.ઘોઘંબા, જિ.પંચમહાલ) નામના શખ્સે લાકડી લઈ આવી મજૂરીના પૈસા બાબતે બોલાચાલી કરી ગાળો દેતા પુનાભાઈએ ગાળો દેવાની ના પાડતા શખ્સે ઉશ્કેરાઈ જઈ લાકડી વડે મોઢા અને માથાના ભાગે ઉપરાછાપરી આડેધડ ઘા ઝીંકી દેતા આધેડ પુનાભાઈને ગંભીર ઈજા થતાં તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે રસોઈ બનાવી રહેલા લક્ષ્મીબેન દોડી આવતા પતિને લોહીથી લથપથ હાલતમાં જમીન પર ઢળી પડેલા જોઈ બૂમાબૂમ કરતા શખ્સ હત્યા કરી નાસી ગયો હતો. બનાવ બન્યા બાદ આજુબાજુના ખેતરોમાંથી મજૂરો અને ખેતમાલિક નાગજીભાઈ સહિતનાઓએ દોડી આવી ખાનગી વાહનમાં મૃતદેહને પીએમ અર્થે ગારિયાધાર ખસેડયો હતો. હત્યાના બનાવ અંગે મૃતકના પત્ની લક્ષ્મીબેન ડામોરએ હત્યારા શખ્સ ભટા ઉર્ફે ભટ્ટો ડામોર વિરૂધ્ધ ગારિયાધાર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૨, ૫૦૪ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી હત્યારા શખ્સને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
ઉલ્લેખનિય છે કે, ખૂની ખેલ ખેલનાર ખેતમજૂર શખ્સે દોઢેક માસ પહેલા પુનાભાઈને ફોન કરી પોતાને કોઈ જગ્યાએ મજૂશ્રી કામ મળતું ન હોય, ખેતમજૂરી કામે લગાડવા આજીજી કરતા મૃતકે જ્ઞાાતિબંધુ ભાવે શખ્સને ભમ્મરિયા ગામે નાગજીભાઈ નારોલાની વાડીએ ખેતમજૂરી કામે લગાડી તેમની સાથે જ ઝૂંપડામાં રહેવા અને ખાવા-પીવાની વ્યવસ્થા કરી આપી હતી. ત્યારે ‘દયા ડાકણને ખાય’ તે વ્યાખ્યા મુજબ કામ અપાવનારને શખ્સે મોતને ઘાટ ઉતારી દીધા હતા.