વાપી, વાપી હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં હાઇવેની સાઇડની એન્ગલ કારમાં ઘૂસી ગઇ હતી. આ ગંભીર અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. સાઇડની એન્ગલ કારમાં ઘૂસી જતાં અરેરરાટીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. વાપી નજીક નેશનલ હાઈવે પરનો આ બનાવ છે. અકસ્માતમાં કેશવ વર્મા નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
અકસ્માતની સામે આવેલી તસવીરોમાં જોઇ શકાય છે કે કેવી રીતે હાઇવેની સાઇડની એંન્ગલ કારમાં ઘૂસી ગઇ છે. એન્ગલ કારના આગળના કાચમાંથી આરપાર થઇ ગઇ છે. આ અકસ્માતમાં કાર ચાલકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.
રાધનપુરમાં અકસ્માતની ઘટના બની છે. જેમાં બાઈક સવાર એકનું મોત નિપજ્યું છે, જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી છે. રાધનપુર મહેસાણા હાઇવે પર બાઈક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મૃતકને પીએમ અર્થે રાધનપુર હોસ્પિટલ ખસેડાયો છે, જયારે ઇજાગ્રસ્તને સારવાર અર્થે પાટણ ધારપુર હોસ્પિટલ ખસેડાયો છે. અકસ્માતને પગલે રાધનપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
બેફામ ગાડી હંકારનારા ચાલકોનો ત્રાસ વધી રહ્યો છે. રાજ્યમાં એક પછી એક આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના અરવલ્લીમાં બની છે. રાત્રે અરવલ્લીમાં ’તથ્યવાળી’ થઇ હતી. જેમાં બેફામ કાર ચાલકે ચાર લોકો પર કાર ચડાવી દીધી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે ત્રણ લોકો ગંભીર છે. ઘાયલોને ભિલોડાની કોટેજ હોસ્પિટલ ખસેડાયા છે. ભિલોડા પોલીસે અકસ્માત અંગે કાર્યવાહી શરૂ કરી છે.
અરવલ્લીમાં ભિલોડાના ગંભીરપુરા પાસે રાત્રે ઘટના બની હતી. જેમાં બેફામ કાર ચાલકે ચાર લોકો પર કાર ચડાવી દીધી હતી. બે બાઈક પર બેઠેલા ચાર લોકો પર કાર ચડાવી હતી. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.