જયપુર, ઈડી રાજસ્થાનના પૂર્વ શિક્ષણ મંત્રી અને કોંગ્રેસ નેતા ગોવિંદ સિંહ ડોટાસરા સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા પાડી રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય ઓમપ્રકાશ હુડલા સાથે જોડાયેલા સ્થળો પર દરોડા પડવાની પણ માહિતી મળી રહી છે. ઈડીના આ દરોડા જયપુર, દૌસા અને સીકરમાં ચાલી રહ્યા છે.
આ દરોડો રાજસ્થાન પરીક્ષા પેપર લીક કેસમાં મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં છે. ઈડીને આ નેતાઓ વિરુદ્ધ પેપર લીક કેસ, મની લોન્ડરિંગ અને હવાલા દ્વારા મની ટ્રાન્સફરના કેસ અંગે ગુપ્ત ફરિયાદો મળી છે.આરપીએસી સભ્ય બાબુલાલ કટારાની તાજેતરની પૂછપરછ અને કેટલાક કોચિંગ ઓપરેટરોની ઈડીને ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ સામે સમન્સ જારી કર્યું છે. આ સમન્સ તેમને ફોરેન એક્સચેન્જ એક્ટ, ૧૯૯૯ની કલમ ૩૭(૧) અને (૩) હેઠળ જારી કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ગેહલોતે ‘એકસ’ પર એક પોસ્ટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સમન્સની માહિતી આપી છે. આ જ પોસ્ટમાં તેમણે ED દ્વારા લેવામાં આવેલી શ્રેણીબદ્ધ કાર્યવાહીને લઈને કેન્દ્રની ભાજપ સરકાર પર પણ નિશાન સાધ્યું છે. કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા તેમણે લખ્યું કે, ‘ભાજપ નથી ઈચ્છતી કે રાજસ્થાનમાં મહિલાઓ, ખેડૂતો અને ગરીબોને કોંગ્રેસ દ્વારા આપવામાં આવતી ગેરંટીનો લાભ મળવો જોઈએ.’